કેન્દ્ર સરકારે શ્રમ સુધારા તરફ એક મોટું પગલું ભરતા પાંચ વર્ષ પહેલાં સંસદમાંથી પસાર કરવામાં આવેલા ચાર નવા શ્રમ સંહિતા કાયદાઓને હવે લાગુ કર્યા છે. આ ચાર લેબર કોડમાં- મજૂરી કોડ, ઈન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, સોશિયલ સિક્યુરિટી કોડ અને ઓક્યૂપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન કોડના લાગુ થયા બાદ 29 જૂના શ્રમ કાયદા નાબૂદ થઈ ગયા છે. સરકારનું કહેવું છે કે કામદારોને વધુ સુરક્ષા, સ્પષ્ટ નિયમો અને વધુ સારી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે આ સુધારો ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે.

નવા લેબર કોડમાં શું છે ખાસ?

નવા લેબર કોડની સૌથી મોટી અસર ગ્રેચ્યુઇટી નિયમો પર પડી છે. પહેલા કર્મચારીને ગ્રેચ્યુઇટી મેળવવા માટે સતત પાંચ વર્ષ એક જ સંસ્થામાં સેવા આપવી પડતી હતી, પરંતુ હવે આ સમયગાળો ઘટાડીને માત્ર એક વર્ષ કરવામાં આવ્યો છે. આનાથી ફિક્સ્ડ ટર્મ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સીધો ફાયદો થશે. વધુમાં, મહિલાઓને સલામતીના પગલાં સાથે રાત્રિ શિફ્ટમાં કામ કરવાની છૂટ છે અને તેમને પુરુષો કરતાં બમણો ઓવરટાઇમ પગાર મળશે. કામનું સમયપત્રક અઠવાડિયામાં 48 કલાક નક્કી કરવામાં આવ્યું છે, જેમાં દૈનિક કાર્ય મર્યાદા 8 થી 12 કલાકની છે. કંપનીઓને ઓવરટાઇમ માટે બમણું વેતન ચૂકવવું પડશે.

નવા લેબર કોડના અમલીકરણ સાથે તમામ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન કાયદેસરનો અધિકાર બની ગયો છે. હવે, કોઈપણ ક્ષેત્રના કોઈપણ કર્મચારીને લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન આપવામાં આવશે નહીં. હવે નિમણૂક સમયે દરેક કર્મચારીને નિમણૂક પત્ર આપવો ફરજિયાત છે, જેનાથી રોજગારની શરતોમાં પારદર્શિતા સુનિશ્ચિત થશે. આખા દેશમાં નાના અને જોખમી કાર્યસ્થળો સહિત તમામ જગ્યાઓ પર ESIC કવરેજ ફરજિયાત કરી દેવમાં આવ્યું છે, જેથી તબીબી અને વીમા સુરક્ષાનો વ્યાપ વધારી શકાય.

ઓવરટાઈમ માટે બમણો પગાર

ખાસ વાત એ છે કે નવા લેબર કોડમાં પહેલીવાર ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, ડિજિટલ અને ઑડિઓ-વિઝ્યુઅલ મીડિયા કાર્યકરો, વાવેતર મજૂરો અને ડબિંગ કલાકારોને પણ ઔપચારિક શ્રમ સુરક્ષાના દાયરામાં સમાવવામાં આવ્યા છે. આનાથી આ ક્ષેત્રોમાં કામ કરતા લાખો કામદારોને નિયમિત રોજગાર સુરક્ષા અને સ્પષ્ટ શ્રમ અધિકારો મળશે. નવા કાયદાઓના અમલીકરણથી કામદારોને વધુ રક્ષણ મળશે, રોજગારમાં પારદર્શિતા વધશે અને કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો થશે તેવી અપેક્ષા છે.