સોનાના ભાવ સતત સમાચારોમાં રહે છે. અત્યારે સોનું 10 ગ્રામે 1,40,000ની નજીક પહોંચવા આવ્યું છે, ત્યારે તેને ખરીદવું મધ્યમ વર્ગ માટે એક સ્વપ્ન બની ગયું છે. મોટાભાગના લોકો એવું માનતા હશે કે સોનું વિશ્વની સૌથી મોંઘી ધાતુ છે, પણ સત્ય તેનાથી વિપરીત છે. સોનું ચોક્કસપણે મોંઘુ છે, પણ સૌથી મોંઘુ નથી. દુનિયામાં એક ધાતુ એવી છે જેના કારણે સોનું પણ સસ્તું લાગે. અને એ ધાતુ છે કેલિફોર્નિયમ.

કેલિફોર્નિયમને વિશ્વની સૌથી મોંઘી ધાતુ માનવામાં આવે છે. તેની કિંમતનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે માત્ર એક ગ્રામ કેલિફોર્નિયમની કિંમતમાં તમે લગભગ 200 કિલોગ્રામ સોનું ખરીદી શકો. આ જ કારણ છે કે કેલિફોર્નિયમને અત્યાર સુધીની સૌથી મોંઘી ધાતુ માનવામાં આવે છે. સોના અને ચાંદી જેવી ધાતુઓનું ખાણકામ કરવામાં આવે છે, પરંતુ કેલિફોર્નિયમનું ખાણકામ થતું નથી. તે પૃથ્વી પર કુદરતી રીતે મળતું નથી. કેલિફોર્નિયમ એક સિન્થેટિક અને રેડિયોએક્ટિવ રાસાયણિક તત્વ છે જે વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં ખાસ તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેનું રાસાયણિક પ્રતીક Cf છે. આ તત્વ ફક્ત માણસની વૈજ્ઞાનિક પ્રગતિના કારણે અસ્તિત્વમાં આવ્યું છે.

કેલિફોર્નિયમની શોધ ક્યારે થઈ?

કેલિફોર્નિયમની શોધ 1950માં અમેરિકાના કેલિફોર્નિયામાં થઈ હતી. વૈજ્ઞાનિકોએ તેને સૌપ્રથમ એક પ્રયોગ દરમિયાન તૈયાર કર્યું હતું. કારણ કે તે પ્રકૃતિમાં જોવા મળતું નથી, આજે જે પણ કેલિફોર્નિયમ અસ્તિત્વમાં છે તે સંપૂર્ણપણે માનવસર્જિત છે. દરેક ઉપયોગી જથ્થો નિયંત્રિત અને સલામત પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થાય છે.

આ ધાતુની ઊંચી કિંમત તેના ઉત્પાદનમાં સામેલ જટિલ પ્રક્રિયાને કારણે છે. કેલિફોર્નિયમ પરમાણુ રિએક્ટરની અંદર ઉત્પન્ન થાય છે, જ્યાં તે, અન્ય ભારે તત્વો સાથે લાંબા સમય સુધી ન્યુટ્રોન રેડિયેશનના સંપર્કમાં રહે છે. આ પ્રક્રિયા માત્ર અત્યંત ધીમી નથી, પણ તેમાં નોંધપાત્ર ખર્ચ અને અત્યાધુનિક ટેકનોલોજીની પણ જરૂર પડે છે. એક નાની ભૂલ પણ સમગ્ર પ્રયોગને બગાડી શકે છે.

કેટલી હોય છે કેલિફોર્નિયમની કિંમત?

વિશ્વના ફક્ત થોડા દેશો અને સંશોધન સુવિધાઓ પાસે કેલિફોર્નિયમનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ત્યાં પણ તેનું ઉત્પાદન મર્યાદિત છે. તે ગ્રામમાં નહીં, પણ માઇક્રોગ્રામમાં માપવામાં આવે છે. આટલા ઓછા પુરવઠાને કારણે, તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે અને તે સામાન્ય લોકોની પહોંચની બહાર રહી ગઈ છે.

હાલના આંતરરાષ્ટ્રીય ભાવો અનુસાર, એક ગ્રામ કેલિફોર્નિયમની કિંમત 27 મિલિયન ડોલરથી વધુ હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં આ રકમ 24,496,27,650 રૂપિયા થાય છે. આનાથી તે અત્યાર સુધીની સૌથી મોંઘી સામગ્રીમાંની એક બને છે. તેનું સાચું મૂલ્ય તેના વૈજ્ઞાનિક ગુણધર્મોમાં રહેલું છે. કેલિફોર્નિયમનો સૌથી મહત્વપૂર્ણ ઉપયોગ ન્યૂક્લયર સેક્ટરમાં થાય છે. તેનો ઉપયોગ ન્યુટ્રોન સોર્સના રૂપમાં થાય છે, જે પરમાણુ રિએક્ટર શરૂ કરવામાં અને ખાસ પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનને આગળ વધારવામાં મદદ કરે છે

કેન્સરની સારવારમાં વપરાય છે કેલિફોર્નિયમ

આ ઉપરાંત કેલિફોર્નિયમ મેડિકલ ફિલ્ડમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેલિફોર્નિયમનો એક ચોક્કસ આઇસોટોપ, કેલિફોર્નિયમ-251, ન્યુટ્રોન-આધારિત કેન્સર થેરેપીમાં વપરાય છે. આ ટેકનિક ન્યુટ્રોન રેડિયેશનનો ઉપયોગ કરીને કેન્સરના સેલ્સને ટાર્ગેટ કરે છે. આ સારવાર સામાન્ય નથી, પરંતુ ચોક્કસ અને જટિલ કેસોમાં તે અસરકારક માનવામાં આવે છે.

આ પણ વાંચો: Gold Silver Price Today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ