ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા અને સપ્લાય ચેઈનને ધ્યાનમાં રાખીને કેટલીક આયાતી દવાઓ પર 100% ટેરિફ (ટેક્સ) લગાવવાની જાહેરાત કરી છે. જાણો કે ટ્રમ્પના આ નિર્ણયની ભારત પર શું અસર થશે અને અમેરિકા ભારત પાસેથી કઈ દવાઓ ખરીદે છે.

અમેરિકા ભારત પાસેથી કઈ દવાઓ મંગાવે છે?

અમેરિકાની હેલ્થકેર વ્યવસ્થામાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તેનો સૌથી મોટો હિસ્સો 'જેનેરિક' દવાઓનો છે, જે મોંઘી દવાઓનો સસ્તો વિકલ્પ હોય છે. અમેરિકામાં વપરાતી લગભગ 40% જેનેરિક દવાઓ ભારતીય કંપનીઓ જ બનાવે છે. ભારતથી અમેરિકા મોકલવામાં આવતી કુલ દવાઓમાં 90% હિસ્સો આ જેનેરિક દવાઓનો જ છે. આ સિવાય દવાઓ બનાવવા માટે વપરાતો કાચો માલ (API) પણ ભારતથી જાય છે, જેના વગર દવાઓનું ઉત્પાદન અશકી બની જાય છે. બાયોસિમિલર્સ (બાયોલોજિકલ દવાઓનો સસ્તો વિકલ્પ) ના ક્ષેત્રમાં પણ ભારતનો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે.

શું બધી દવાઓ મોંઘી થશે?

ખાસ વાત એ છે કે બધી દવાઓ પર આ ટેક્સ લાગશે નહીં. જેનેરિક દવાઓને હાલમાં આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી અમેરિકામાં સસ્તી દવાઓ મળતી રહે. જોકે, આ છૂટ માત્ર એક વર્ષ માટે છે અને ત્યારબાદ તેની ફરીથી તપાસ થઈ શકે છે. તેની અસલી અસર એ બ્રાન્ડેડ કે પેટન્ટ દવાઓ પર પડશે જે વધુ મોંઘી અને આધુનિક ટેકનોલોજીથી બનેલી હોય છે.

કિંમતો કેટલી વધી શકે?

100% ટેક્સનો સીધો અર્થ એ છે કે જો કંપનીઓ આ વધારાના ટેક્સનો બોજ ગ્રાહકો પર નાખે, તો દવાઓની કિંમત બમણી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બ્રાન્ડેડ દવાની કિંમત 100 ડોલર હોય, તો તે 200 ડોલર સુધી મોંઘી થઈ શકે છે.

ભારતીય દવા કંપનીઓ પર અસર

જે ભારતીય કંપનીઓ બ્રાન્ડેડ અથવા નવી દવાઓ બનાવે છે, તેમણે દબાણનો સામનો કરવો પડી શકે છે. આ કંપનીઓએ કાં તો પોતે નુકસાન વેઠવું પડશે અથવા અમેરિકાના બજારમાં પોતાની દવાઓની કિંમત વધારવી પડશે.

ટેક્સથી બચવાના રસ્તા

જે કંપનીઓ અમેરિકામાં જ પોતાનું ઉત્પાદન શરૂ કરશે અથવા ખાસ કિંમતો પર સંમત થશે, તેમને આ ટેક્સમાંથી રાહત મળી શકે છે. આ સિવાય જે કંપનીઓ ભવિષ્યમાં અમેરિકામાં ઉત્પાદન કરવાનું વચન આપશે, તેમને ટેક્સમાં લગભગ 20% સુધીની છૂટ મળી શકે છે.

આ પણ વાંચો- Jethalalના ફેન્સ માટે માઠા સમાચાર! શું Dilip Joshi એ છોડ્યો તારક મહેતા શો?