કેન્દ્ર સરકારે GST દરોમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી છે, જે 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. અત્યાર સુધીની ચાર સ્લેબ પદ્ધતિ (5%, 12%, 18% અને 28%)ને બદલીને હવે માત્ર બે સ્લેબ – 5% અને 18% – રાખવામાં આવ્યા છે. સાથે જ કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર 0% સ્લેબ લાગુ થશે, જ્યારે આરોગ્યને હાનિકારક પ્રોડક્ટ્સ માટે 40% નો નવો સ્લેબ ઉમેરાયો છે. આ પગલાથી સામાન્ય લોકો, ખેડૂતો, મધ્યમ વર્ગ તેમજ ઉદ્યોગો સુધી રાહત પહોંચશે, જોકે રાજ્યોની આવક પર તેનો સીધો પ્રભાવ પડશે.
GSTમાં ઘટાડો: લાભ અને પડકાર
- નવી વ્યવસ્થા કર સિસ્ટમને સરળ બનાવશે.
- કરના ભાર ઓછા થતા ઘરેલુ વપરાશ અને ગ્રાહક ખર્ચ બંનેમાં વધારો થશે.
- આર્થિક વૃદ્ધિ દર ઊંચો રહેવાની સંભાવના છે.
- રાજ્યોને શરૂઆતમાં આવકમાં ઘટાડાની ભીતિ છે, પરંતુ કેન્દ્ર સરકારે વળતરની ખાતરી આપી છે.
કયા રાજ્યોને ફાયદો?
એક રિપોર્ટ મુજબ, GST વસૂલાતમાંથી રાજ્યોને સરેરાશ 70% હિસ્સો મળશે. ઉદાહરણ તરીકે, જો કોઈ રાજ્યમાંથી ₹100 નો GST વસૂલાય, તો તેમાં આશરે ₹70 રાજ્યને મળશે. તેથી રાજ્યમાં જેટલો વધુ GST કલેક્શન થશે, એટલો જ તેનો સીધો લાભ રાજ્યને મળશે. મોટા ગ્રાહક આધાર ધરાવતા ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને આ સિસ્ટમ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
