કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOનું નામ પડે એટલે કર્મચારી ભવનની ઇમારત અને આંખો સામે લાંબી લાઇન દેખાય અને એમાંય જ્યારે PF માંથી પૈસા ઉપાડવાની વાત આવે એટલે માથાકૂટનો મોટો વિષય બની જાય એવામાં હવે EPFOની એક નવી જાહેરાતથી ખાતા ધારકોને ઘણા અંશે રાહત મળશે.
ATM માંથી સીધા PFના પૈસા ઉપાડો
મળતી માહિતી મુજબ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO આવનારા થોડા સમયમાં EPFO 3.0 નામથી એક નવી અપડેટેડ સિસ્ટમ સાથે ખાતા ધારકોને પરેશાન કરતી બધી સમસ્યાઓનો અંત લાવવાનો પ્રયત્ન કરશે. ટૂંક સમયમાં EPFO 3.0 લોન્ચ થવા જઈ રહ્યું છે, જે PF ઉપાડને વધુ સરળ બનાવશે. હવે સભ્યો ATM અને UPI દ્વારા સીધા જ તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.
8 કરોડથી વધુ સભ્યો માટે ડિજિટલ પ્લેટફોર્મ
હાલના તબક્કે તમામ સરકારી સંગઠનોમાં કર્મચારીઓ અને ગ્રાહકોની પાયાની મૂળભૂત સુવિધાઓને સરળતાથી ડિલિવર કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પણ ખાતા ધારકોની સમસ્યાને પહોંચી વળવા માટે EPFO 3.0 નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ લાવી રહ્યા છે. આ નવી સિસ્ટમ સાથે, PF સંબંધિત સેવાઓ હવે સરળ, ઝડપી અને પારદર્શક બનશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસને કારણે લોન્ચમાં વિલંબ થયો છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ નવું પ્લેટફોર્મ ટૂંક સમયમાં બધા સભ્યો માટે ઉપલબ્ધ થશે.
EPFO 3.0 નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ
EPFO 3.0 નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ પહેલા જૂનમાં શરૂ થવાનું હતું, પરંતુ તકનીકી સમસ્યાને કારણે તેમાં થોડો વિલંબ થયો છે. ઇન્ફોસિસ, વિપ્રો અને TCS જેવી મોટી IT કંપનીઓ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ નવી સિસ્ટમમાં, તમે તમારા PF ના પૈસા સીધા ATM માંથી ઉપાડી શકશો. આ માટે, તમારે ફક્ત તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવું પડશે અને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને સક્રિય કરવું પડશે. આ સાથે, હવે તમે ઓફિસ ગયા વિના પણ તમારા PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશો.