દિલ્હીમાં સંસદ કૂચ દરમિયાન CJPના સભ્યો અને વિદ્યાર્થીઓનાં ઉગ્ર ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ સાથે વોટર કેનનનો ભારે ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે દૂરથી જોવામાં આ પાણીનો પ્રવાહ સામાન્ય લાગે છે, પરંતુ વાસ્તવમાં તેનું બળ કોઈ ઘાતક હથિયારથી જરાય ઓછું નથી હોતું. આ વોટર કેનનનો ઇતિહાસ મૂળભૂત રીતે આગ ઓલવવા માટે અગ્નિશામક (ફાયર મોનિટર) તરીકે શરૂ થયો હતો. સૌપ્રથમ 1891માં ન્યૂ યોર્ક અને ત્યારબાદ 1919 માં લોસ એન્જલસમાં ફાયરબોટ દ્વારા તેનો ઉપયોગ શરુ થયો હતો, જે પાછળથી રસ્તા પર બેકાબૂ ભીડને તિત્ર-બિત્ર કરવા માટે તોફાન વિરોધી વાહનોમાં અપનાવવામાં આવ્યો.

જીવેલણ ઇજાઓ પહોંચાડી શકે છે વોટર કેનન

ઘરના નળ અથવા શાવરનું પાણી સામાન્ય રીતે 3 બાર એટલે કે લગભગ 40 પીએસઆઈ ના દબાણથી વહે છે, જ્યારે વોટર કેનનમાંથી છૂટતા પાણીનું દબાણ આશ્ચર્યજનક રીતે 15 થી 20 બાર એટલે કે 220 થી 300 પીએસઆઈ સુધીનું અત્યંત ભયાનક સ્તર ધરાવે છે. આટલી જબરદસ્ત તાકાતથી છૂટતો પાણીનો પ્રવાહ થોડી જ ક્ષણોમાં દૂર ઊભેલી વ્યક્તિને જમીન પર પટકી શકે છે અને ગંભીર શારીરિક ક્ષતિ પહોંચાડી શકે છે. તબીબી નિષ્ણાતોના મતે, જો આ ઊંચા દબાણવાળું પાણી સીધું ચહેરા કે આંખ પર પડે, તો તે આંખની કીકી ફાડી નાખવા, અંદરની તરફ રક્તસ્ત્રાવ થવા અને રેટિનાને કાયમ માટે નષ્ટ કરવા માટે પૂરતું છે. ખાસ કરીને 10 મીટરથી ઓછા અંતરે આ પાણીનો પ્રહાર થાય તો કરોડરજ્જુમાં ફ્રેક્ચર અને માથા પર જીવલેણ ઈજાઓ પણ થઈ શકે છે.

કપડાં પરથી પ્રદર્શનકારીઓને ઓળખવામાં પણ મદદરૂપ

માત્ર દબાણ જ નહીં, પરંતુ સુરક્ષા દળો ભીડને કાબૂમાં લેવા અને પાછળથી ઓળખવા માટે આ પાણીમાં વિવિધ પ્રકારના હાનિકારક રસાયણો પણ ભેળવતા હોય છે. આ પાણીની અંદર ટીયર ગેસ, તીવ્ર ગંધવાળા કેમિકલ્સ તેમજ લાલ કે વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું રસાયણયુક્ત પાણી ત્વચા અથવા આંખોના સંપર્કમાં આવતા જ તીવ્ર બળતરા અને રાસાયણિક દાઝવાની (કેમિકલ બર્ન) સમસ્યા સર્જે છે, જ્યારે કપડાં પર ચોંટેલો રંગ પોલીસને તોફાનીઓને ઓળખવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચોઃ Lok Sabha Resolution: કલ્યાણ બેનર્જીને લોકસભામાંથી કરાયા સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે અભદ્ર વર્તન પર કાર્યવાહી