વાહનચાલકો અને ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) ધારકો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત રાહતજનક નિર્ણય લેવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોને વધુ સરળ, ઝડપી અને નાગરિક-સ્નેહી બનાવવા માટે એક નવો ડ્રાફ્ટ (મુસદ્દો) બહાર પાડ્યો છે. આ નવા પ્રસ્તાવ મુજબ, હવે લાઇસન્સમાં સરનામું, મોબાઇલ નંબર કે ઇમેઇલ આઇડી અપડેટ કરાવવા માટે ચૂકવવી પડતી ફી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી શકે છે.
સરનામાના પુરાવામાં છૂટછાટ અને મફત સેવાઓ
સરકારના પ્રસ્તાવિત નિયમો અનુસાર, આધાર કાર્ડ દ્વારા કરવામાં આવતી ઓનલાઇન ઓળખ ચકાસણી (e-KYC) સંબંધિત સેવાઓને તદ્દન મફત કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ ઉપરાંત, સરનામું બદલવા માટેની પ્રક્રિયાને સરળ બનાવતા, છેલ્લા ત્રણ મહિનાથી વધુ જૂના ન હોય તેવા વીજળીના બિલ અને ઘરેલું પિપલાઇન/સિલિન્ડર ગેસના બિલને પણ સત્તાવાર પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે.
નક્કી સમયમર્યાદા અને 'ઓટો-એપ્રુવલ' સિસ્ટમ
નવા ડ્રાફ્ટમાં વિવિધ સેવાઓ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે જેથી અરજદારોને પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) ના ધક્કા ન ખાવા પડે:
નામ અને અન્ય વિગતોમાં સુધારો: અરજી કર્યાના ૧૫ દિવસની અંદર નિર્ણય લેવામાં આવશે.
સરનામું બદલવા માટે ઓટો-એપ્રુવલ: જો અરજી કર્યાના ૩૦ દિવસમાં અધિકારીઓ દ્વારા કોઈ આખરી નિર્ણય લેવામાં નહીં આવે, તો અરજી આપમેળે મંજૂર થયેલી (Auto-Approved) ગણવામાં આવશે.
વાહન શ્રેણી દૂર કરવી: લાઇસન્સમાંથી કોઈ ચોક્કસ વાહન શ્રેણી હટાવવાની અરજી માત્ર ૭ દિવસમાં આપમેળે પ્રક્રિયા થઈ જશે.
'સારથી' પોર્ટલનું સરળીકરણ અને અન્ય પ્રસ્તાવો
અરજદારોને વારંવાર એક જ માહિતી દાખલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ આપવા માટે 'સારથી' પોર્ટલ પર ડેટા ઓટો-ફિલ (આપમેળે ભરાઈ જવાની) સિસ્ટમ લાગુ કરાશે. લાઇસન્સ રિન્યૂઅલ, ડુપ્લિકેટ લાઇસન્સ કે નવી વાહન શ્રેણી ઉમેરવા માટે અલગ-અલગ સરળ ફોર્મ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં, ડ્રાઇવિંગ લાઇસન્સની અરજીમાં જ કટોકટીના સમય માટે 'ઇમરજન્સી કોન્ટેક્ટ નબર' અને સ્વૈચ્છિક 'અંગદાન' (Organ Donation) માટેની સંમતિ આપવાનો વિકલ્પ પણ ઉમેરાશે.
નોંધનીય છે કે આ તમામ સુધારાઓ હાલમાં પ્રસ્તાવિત છે. માર્ગ પરિવહન મંત્રાલયે આ ડ્રાફ્ટ પર 30 દિવસની અંદર સામાન્ય જનતા પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે, ત્યારબાદ આ નિયમો આખરી રીતે દેશભરમાં લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચોઃFrance Protest: કર્ફ્યુ વચ્ચે ભારતીય દૂતાવાસની સલાહ, કહ્યુઃ સાવધાન રહો, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો