15 ઓગસ્ટ ભારતના ઇતિહાસમાં ખૂબ જ ખાસ તારીખ છે. 1947માં આ દિવસે ભારતને 200 વર્ષથી ચાલી આવતા ક્રૂર બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. સેંકડો ક્રાંતિકારીઓએ સ્વતંત્રતાના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. તેમાંથી એક મહાત્મા ગાંધી હતા જેમને 'રાષ્ટ્રપિતા'નું બિરુદ મળ્યું હતું. 1947માં આઝાદી સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા દિવસ પર હાજરી આપી ન હતી. તેના પાછળનું શું હતું કારણ તે જાણીએ....


જ્યારે દેશને આઝાદી મળી અને આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મહાત્મા ગાંધીએ ઉજવણીમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. હકીકતમાં તે દિવસે મહાત્મા ગાંધી દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બંગાળના નોઆખલીમાં હતા.

નેહરુ અને પટેલે બાપુને મનાવવાનો પ્રયાસ કર્યો?

પંડિત નેહરુ અને સરદાર પટેલે મહાત્મા ગાંધીને દિલ્હી બોલાવવાનો પૂરો પ્રયાસ કર્યો જ્યારે 15 ઓગસ્ટે ભારત આઝાદ થવાનું નક્કી થયું. ત્યારે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને એક પત્ર મોકલ્યો. તેમાં લખ્યું હતું કે, '15 ઓગસ્ટ આપણો પહેલો સ્વતંત્રતા દિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. કૃપા કરીને જોડાઓ અને તમારા આશીર્વાદ આપો.' બાપુએ જવાબ આપ્યો કે, 'જ્યારે કલકત્તામાં હિન્દુઓ અને મુસ્લિમો એકબીજાને મારી રહ્યા છે ત્યારે હું ઉજવણી કરવા કેવી રીતે આવી શકું? મારે તેમની વચ્ચે રહેવું વધુ મહત્વનું છે.' આ કહીને બાપુ થોડા દિવસો બાદ બંગાળ જવા રવાના થયા.

આઝાદી સમયે મહાત્મા ગાંધી ક્યાં હતા?

તે સમયે મહાત્મા ગાંધીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે હું 15 ઓગસ્ટે ખુશ નહીં રહી શકું. હું તમને છેતરવા નથી માંગતો, પરંતુ તે જ સમયે હું એમ કહીશ નહીં કે તમારે પણ ઉજવણી ન કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ આજે જે રીતે આપણને આઝાદી મળી છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાવિ સંઘર્ષના બીજ પણ છે. આવી સ્થિતિમાં આપણે આઝાદીની ઉજવણી માટે દીવા કેવી રીતે પ્રગટાવી શકીએ? મારા માટે આઝાદીની ઘોષણા કરતાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ વધુ મહત્ત્વની છે.

14 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિએ જ્યારે જવાહરલાલ નેહરુ સંસદના સેન્ટ્રલ હોલમાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપી રહ્યા હતા ત્યારે દેશના 'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધી બંગાળમાં હતા. અહેવાલ મુજબ, બાપુએ નેહરુનું ભાષણ સાંભળ્યું પણ ન હતું કારણ કે ત્યાં સુધીમાં તેઓ ગાઢ નિદ્રામાં હતા. તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન અને પંડિત નેહરુ બંનેએ મહાત્મા ગાંધીને સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં રહેવા વિનંતી કરી હતી પરંતુ બાપુએ તેમની વિનંતી સ્વીકારી ન હતી. તેમણે કહ્યું કે બંગાળના નોઆખલીમાં તેમની વધુ જરૂર છે.


  • Follow us on: