ભારત દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. દેશની આઝાદી સાથે જોડાયેલી અનેક એવી પરંપરાઓ છે, જે આજે પણ લોકોમાં દેશભક્તિની ભાવના જગાવે છે. આવી જ એક અનોખી પરંપરા બિહારના પૂર્ણિયામાં જોવા મળે છે, જ્યાં 14 ઓગસ્ટની રાત્રે તિરંગો ફરકાવવામાં આવે છે.
અંગ્રેજોના શાસનમાંથી આઝાદી સુધીની સફર
અંગ્રેજોએ વર્ષો સુધી ભારત પર શાસન કર્યું હતું. દેશને અંગ્રેજોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે અનેક સ્વતંત્રતા સેનાનીઓએ સંઘર્ષ કર્યો અને ઘણાં લોકોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. લાંબા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતીયો તિરંગો ફરકાવીને દેશની આઝાદીની ખુશી વ્યક્ત કરે છે.
14 ઓગસ્ટની રાત્રે તિરંગો ક્યાં ફરકાવવામાં આવે છે?
બિહારનું પૂર્ણિયા એક એવું શહેર છે, જ્યાં દર વર્ષે 14 ઓગસ્ટની રાત્રે તિરંગો ફરકાવવામાં આવે છે. કહેવાય છે કે સ્વતંત્રતા સેનાની રામેશ્વર પ્રસાદ સિંહે પોતાના સાથીઓ સાથે મળીને 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ તિરંગો ફરકાવ્યો હતો. આ સમય આઝાદી મળવાની સત્તાવાર તારીખ એટલે કે 15 ઓગસ્ટ પહેલાંનો હતો. રામેશ્વર પ્રસાદ સિંહે રાત્રે 12.01 વાગ્યે તિરંગો ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમણે લોકોને મીઠાઈ વહેંચીને સ્વતંત્રતાની ઉજવણી કરી હતી. ત્યારથી આ ઘટના પૂર્ણિયાની એક ખાસ પરંપરા સાથે જોડાઈ ગઈ છે.
પૂર્ણિયામાં આ પરંપરા પાછળનું કારણ શું છે?
1947માં રાત્રે 12:01 વાગ્યે રેડિયો પર ભારતની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ રામેશ્વર સિંહે રામરતન સાહ અને શમશુલ હક સાથે મળીને ઝંડા ચોક પર તિરંગો ફરકાવ્યો હતો. રામેશ્વર પ્રસાદ સિંહના પરિવારના સભ્યો આજે પણ આ પરંપરાને આગળ વધારી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકો ઝંડા ચોક પર રાત્રે તિરંગો ફરકાવીને આ ઐતિહાસિક ક્ષણને યાદ કરે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે વાઘા બોર્ડર બાદ પૂર્ણિયા દેશનો પહેલો અને એકમાત્ર જિલ્લો છે, જ્યાં અંધારી રાત્રે તિરંગો ફરકાવવામાં આવે છે.
2025માં કયો સ્વતંત્રતા દિવસ ઉજવાશે?
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી હતી. સામાન્ય ગણતરી પ્રમાણે 2025માંથી 1947 બાદ કરીએ તો 78 વર્ષ થાય છે. આ કારણે ઘણા લોકો માને છે કે 2025માં 78મો સ્વતંત્રતા દિવસ ઉજવાશે. પરંતુ સ્વતંત્રતા દિવસની ગણતરીમાં 15 ઓગસ્ટ 1947ને પહેલો સ્વતંત્રતા દિવસ માનવામાં આવે છે. પ્રથમ વર્ષને શૂન્ય તરીકે ગણવામાં આવતું નથી. તેથી વર્ષ-દર-વર્ષ આ ગણતરી આગળ વધે છે અને 2025માં ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે.
આ પણ વાંચો-Indian Hockey Team : વાદળીમાંથી કેસરી થઈ હોકી ટીમની જર્સી, હોકી ઈન્ડિયાએ આપ્યો જવાબ!