ભારતના બેંકિંગ સિસ્ટમનો ઈતિહાસ 2 સદીઓ કરતાં પણ વધુ જૂનો છે. દેશની સૌથી પહેલી બેંક બેંક ઓફ હિન્દુસ્તાન હતી. તેની શરૂઆત વર્ષ 1770 માં કોલકાતામાં થઈ હતી. બ્રિટિશ ટ્રેડિંગ કંપની એલેક્ઝાન્ડર એન્ડ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી આ બેંક ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વધતા પ્રભાવ દરમિયાન વેપારી કામકાજને ટેકો આપવા માટે યુરોપિયન બેંકિંગ પદ્ધતિના આધારે બનાવવામાં આવી હતી. જોકે પછીથી આવેલી કેટલીક બીજી બેંકો કરતાં અલગ બેંક ઓફ હિન્દુસ્તાન લાંબો સમય ટકી ન શકી અને 1832 માં કાયમ માટે બંધ થઈ ગઈ. 

ભારતની પહેલી બેંક

બેંક ઓફ હિન્દુસ્તાનની શરૂઆત 1770 માં કોલકાતામાં એલેક્ઝાન્ડર એન્ડ કંપનીએ કરી હતી. તે સમયે બ્રિટિશ વેપાર અને વહીવટનો વિસ્તાર થઈ રહ્યો હતો. તેવામાં એવી સંસ્થાઓની જરૂરિયાત વધી રહી હતી જે વ્યાપારી લેવડદેવડમાં મદદ કરી શકે, જમા થયેલા રૂપિયા સંભાળી શકે અને ફાયનાન્સિયલ સર્વિસ આપી શકે. આ બેંક મુખ્યત્વે ઈન્ટરનેશનલ ટ્રેડને સપોર્ટ કરતી હતી અને ડિપોઝિટ સ્વીકારતી હતી. આ બેંકે ભારતમાં શરૂઆતની કાગળની નોટો પણ બહાર પાડી હતી. એવું કહેવાય છે કે આ નોટો પર સોના કે પછી ચાંદીના સિક્કાઓમાં ચૂકવણી કરવાનો વાયદો લખેલો રહેતો હતો. આ તે સમયની બેંકિંગ પદ્ધતિ દર્શાવે છે.
first bank of India, Bank of Hindostan (1)

શા માટે બંધ થઈ બેંક ઓફ હિન્દુસ્તાન?

જોકે બેંકનું પ્રાઈવેટ માલિકીવાળું માળખું તેને મોટા આર્થિક સંકટો સામે નબળું પાડતું હતું. બંગાળે 1819 થી 1832 વચ્ચે ગંભીર આર્થિક કટોકટીનો સામનો કર્યો. તેની સાથે જ ગળીના વેપારમાં નુકસાન અને એલેક્ઝાન્ડર એન્ડ કંપની પરના ભારે દેવાએ આ સંસ્થા પર વધારાનું દબાણ વધારી દીધું. છેવટે એલેક્ઝાન્ડર એન્ડ કંપની નાદાર જાહેર થઈ ગઈ અને બેંક ઓફ હિન્દુસ્તાનને બંધ કરવી પડી. આ બેંક 31 માર્ચ 1832 ના રોજ કાયમ માટે બંધ થઈ ગઈ.

ભારતની બીજી બેંક પણ નિષ્ફળ રહી

બેંક ઓફ હિન્દુસ્તાન પછી 1786 માં જનરલ બેંક ઓફ ઈન્ડિયા શરૂ થઈ. જોકે આ સંસ્થા પણ લાંબો સમય ન ચાલી શકી અને 1791 માં એટલે કે શરૂ થયાના માત્ર 5 વર્ષ પછી જ બંધ થઈ ગઈ. આ શરૂઆતની પ્રાઈવેટ બેંકોની નિષ્ફળતાએ બ્રિટિશ વ્યાપારી વિસ્તારના શરૂઆતના સમયમાં એક સ્થિર બેંકિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવતી મુશ્કેલીઓ દર્શાવી હતી.

પ્રેસિડેન્સી બેંકોની શરૂઆત

ભારતીય બેંકિંગનો વધુ વ્યવસ્થિત તબક્કો 3 પ્રેસિડેન્સી બેંકોની સ્થાપના સાથે શરૂ થયો. આ સંસ્થાઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મુખ્ય વહીવટી અને વેપારી કેન્દ્રો સાથે જોડાયેલી હતી. બેંક ઓફ કલકત્તાની સ્થાપના 2 જૂન 1806 ના રોજ થઈ હતી અને 1809 માં તેનું નામ બદલીને બેંક ઓફ બંગાળ કરવામાં આવ્યું. તે પછી 1840 માં બેંક ઓફ બોમ્બે અને 1843 માં બેંક ઓફ મદ્રાસની સ્થાપના થઈ. આ સંસ્થાઓ ભારતની નવી ઊભરતી બેંકિંગ વ્યવસ્થાના મહત્વના સ્તંભ બની અને આગળ જતાં ઈમ્પિરિયલ બેંક ઓફ ઈન્ડિયાની રચનામાં તેમણે મોટો ભાગ ભજવ્યો.

આ પણ વાંચો-Indian Languages : ભારતમાં બીજી સૌથી વધુ બોલાતી ભાષા ઉર્દૂ નથી, જાણો કોણે મારી બાજી?