આજના સમયમાં જમીન ખરીદવી એ એક સપનું બની ગયું છે કારણ કે તેના ભાવ એટલા વધી ગયા છે કે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરતા પહેલા વિચારવું પડે છે. જમીનના ભાવમાં સતત વધારો થતો રહે છે અને તેના કાનૂની કામ અને કાગળકામ તો એક મોટો પડકાર છે.


શહેર વિસ્તારોમાં જમીન ખૂબ જ મોંઘી મળે છે. પણ આ બધાની વચ્ચે જો તમને એવું સાંભળવા મળે કે જમીન 1 રૂપિયામાં મળશે એ પણ 25 એકર જમીન તો તમને નવાઈ લાગશે, હા નવાઈ લાગશે પણ આ સાચું છે, 1 રૂપિયામાં મધ્યપ્રદેશમાં સરકાર 25 એકર જમીન આપી રહી છે. 

આટલી સસ્તી જમીન ક્યાં મળે છે?

લગભગ 20 દિવસ પહેલા ઉદ્યોગપતિઓ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે બેઠક યોજી હતી અને તેમને મધ્યપ્રદેશમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 12 જિલ્લાઓમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ પર સરકારે રાજ્યના ખાનગી મેડિકલ કોલેજો સ્થાપિત કરવાનો મોટો નિર્ણય લીધો છે. સરકાર માત્ર 1 રૂપિયામાં 25 એકર સરકારી જમીન આ કોલેજો માટે આપશે.

મેડિકલ કોલેજ ખોલો, જમીન મેળવો

સીએમ મોહન યાદવ કહે છે કે મધ્યપ્રદેશમાં એક લાખ એકરની સરપ્લસ લેન્ડ બેંક છે. જો કોઈ પણ મેડિકલ કોલેજ ખોલે છે તો તેને સરકાર એક રૂપિયામાં 25 એકર જમીન આપશે. અત્યાર સુધી ખાનગી મેડિકલ કોલેજોને રોકાણ માટે જમીનની વ્યવસ્થા જાતે કરવી પડતી હતી, પરંતુ સરકારના આ નિર્ણય પછી ખાનગી મેડિકલ કોલેજ ખોલનારાઓ વાર્ષિક 1 રૂપિયાના ભાડા પર 25 એકર સરકારી જમીન લઈ શકે છે.

સસ્તા ભાવે સરકાર જમીન કેમ આપી રહી છે?

સરકારનું કહેવું છે કે આ યોજનાથી ખાનગી મેડિકલ કોલેજો માટે કામ કરવાનું સરળ બનશે અને PPP મોડ પર મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન મળશે. સરકાર ત્યાં સસ્તા દરે જમીન આપી રહી છે જેથી મેડિકલ કોલેજોના નિર્માણને ઝડપી બનાવી શકાય અને મધ્યપ્રદેશમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ સુધારી શકાય.


  • Follow us on: