બુધવારે રશિયાના કામચાટકા દ્વીપકલ્પ નજીક સમુદ્રમાં આવેલા 8.8 ની તીવ્રતાના ભૂકંપે સમગ્ર પેસિફિક ક્ષેત્રને હચમચાવી નાખ્યું છે. આ ભૂકંપના આંચકા એટલા ખતરનાક હતા કે જાપાન અને રશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં ઘણા લોકો રહે છે ત્યાં 4 મીટર ઊંચા સુનામીના મોજા ઉછળ્યા હતા.
રશિયન વહીવટીતંત્રે કડક ચેતવણી જાહેર કરી છે તેમજ દરેક લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર જવા કહ્યું છે. આ સુનામીમાં જમીનમાં ભારે પાણી ઘૂસી ગયું અને ઘણી દરિયાકાંઠાની ઇમારતો ડૂબી ગઈ છે. રશિયાના આ ક્ષેત્રમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે, તેથી ત્યાં ઉત્તરીય કુરિલ ટાપુમાં કટોકટી જાહેર કરવામાં આવ્યું છે.
જાપાન અને અન્ય દેશોમાં પણ આપી ચેતવણી
જાપાનના રાષ્ટ્રીય હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે કે મોજાઓ ઉંચા થઈ શકે છે અને પૂર્વી અને ઉત્તરીય દરિયાકાંઠાના શહેરોને સચેત રહેવાનું કહ્યું છે. યુએસ હવામાન વિભાગે ગુઆમા અને કેલિફોર્નિયાના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી પણ જાહેર કરી છે. ભારતે ભવિષ્યમાં આવી કુદરતી આફતોનો સામનો કરવા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે.
ભારતું પહેલું સુનામી-પ્રૂફ મેટ્રો સ્ટેશન
જાપાન અને રશિયા જેવા દેશો દરિયાઈ મોજાઓથી તબાહ થઈ રહ્યા છે. ભારતીય શહેર ચેન્નાઈ દરિયાઈ આવી આફતોથી પોતાને બચાવવા માટે મહત્વપૂર્ણ સ્ટેપ લઈ રહ્યું છે. મરીના બીચ નજીક બનાવવામાં આવી રહેલું લાઇટ હાઉસ મેટ્રો સ્ટેશન દેશનું પહેલું સ્ટેશન હશે જે સંપૂર્ણપણે સુનામી પ્રૂફ હશે.
ચેન્નાઈ મેટ્રો રેલ લિમિટેડે ખાસ યુરોપિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટેશન ડિઝાઇન કર્યું છે. તેમાં ઓટોમેટિક ફ્લડ ગેટ લગાવવામાં આવી રહ્યા છે. દરિયાનું સ્તર વધે ત્યારે આ દરવાજા આપમેળે બંધ થઈ જશે જેથી દરિયાનું પાણી સ્ટેશનમાં પ્રવેશ ન કરે. 2004માં આવેલા સુનામી પછી આ વિસ્તારમાં સલામતી અંગે ઘણી ચિંતાઓ ઉભી થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ સ્ટેપ લેવામાં આવ્યા છે અને કામગીરી ચાલુ કરી છે.
મેટ્રો સ્ટેશનની ખાસિયત શું?
આ સ્ટેશનની ખાસિયતો વિશે વાત કરીએ તો, પાર્કિંગ સુવિધા માટે 6 ટ્રેક સાથે 12 ટ્રેનો છે અને પ્લેટફોર્મ કોનકોર્સ લેવલથી તેને ઉપર મૂકવામાં આવ્યું છે. લાઇટ હાઉસ મેટ્રો સ્ટેશનની લંબાઈ 414 મીટર અને પહોળાઈ 35 મીટર છે, જે તેને ચેન્નાઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન કરતા મોટું બનાવે છે. ફ્લેમિંગો નામની ટનલ બોરિંગ મશીન અહીં 2 કિમી લાંબી ટનલ બનાવાના છે જે સ્ટેશનને કછરી રોડ અને થિરુમાયલાઈ મેટ્રો સ્ટેશનો સાથે જોડશે. ચેન્નાઈ મેટ્રોના બીજા ભાગમાં આ કોરિડોર 2025 થી 2028 ની વચ્ચે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
વૈશ્વિક સ્તરે આફતોનો સામનો કરવામાં બનશે એક ઉદાહરણ
રશિયા અને જાપાન જેવા વિકસિત દેશો આજે પણ કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યું છે. ચેન્નાઈનું આ સુનામી-પ્રૂફ સ્ટેશન માત્ર ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું નથી પરંતુ તે વૈશ્વિક સ્તરે આફતોનો સામનો કરવામાં પણ એક ઉદાહરણ બની શકે છે.