ISROએ ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ISRO એ ગગનયાન ક્રૂ મોડ્યુલની ડિલેરેશન (ગતિ ઘટાડા) સિસ્ટમ માટેના ડ્રોગ પેરાશૂટના લાયકાત પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.


ચંદીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક્સમાં

આ મહત્વપૂર્ણ પરીક્ષણો 18 અને 19 ડિસેમ્બર, 2025 ના રોજ ચંદીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL) ની રેલ ટ્રેક રોકેટ સ્લેડ (RTRS) સુવિધા ખાતે હાથ ધરવામાં આવ્યા હતા. ISROના જણાવ્યા મુજબ, આ પરીક્ષણોનો મુખ્ય હેતુ મુશ્કેલ અને વિવિધ ઉડાન પરિસ્થિતિઓમાં ડ્રોગ પેરાશૂટની કામગીરી, વિશ્વસનીયતા અને ટકાઉપણું ચકાસવાનો હતો. બંને પરીક્ષણોમાં તમામ લક્ષ્યો સફળતાપૂર્વક પ્રાપ્ત થયા અને પેરાશૂટે અતિઉચ્ચ ગતિ અને દબાણમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું.

ગગનયાન ક્રૂ મોડ્યુલની ગતિ ઘટાડા પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે?

ગગનયાન ક્રૂ મોડ્યુલમાં અવકાશમાંથી પરત ફરતી વખતે ગતિ નિયંત્રિત કરવા માટે 4 અલગ-અલગ પ્રકારના કુલ 10 પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેરાશૂટ ક્રૂ મોડ્યુલને સ્થિર કરે છે અને તેની ગતિને ધીમે ધીમે સુરક્ષિત સ્તરે લાવે છે, જેથી સમુદ્રમાં સલામત ઉતરાણ શક્ય બને.

પેરાશૂટ ખોલવાની ક્રમિક પ્રક્રિયા

સૌપ્રથમ, બે એપેક્સ કવર સેપરેશન પેરાશૂટ ખુલે છે, જે પેરાશૂટ વિભાગના રક્ષણાત્મક કવરને દૂર કરે છે. ત્યારબાદ બે ડ્રોગ પેરાશૂટ તૈનાત થાય છે, જે ક્રૂ મોડ્યુલને સ્થિર કરે છે અને વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન તેની અત્યંત ઊંચી ગતિને નિયંત્રિત કરે છે. ડ્રોગ પેરાશૂટ છોડ્યા પછી, ત્રણ પાયલોટ પેરાશૂટ ખુલે છે, જે મુખ્ય પેરાશૂટને બહાર લાવવામાં મદદ કરે છે. અંતે, ત્રણ મુખ્ય પેરાશૂટ ક્રૂ મોડ્યુલની ગતિને વધુ ધીમી કરી સુરક્ષિત ટચડાઉન સુનિશ્ચિત કરે છે.

ડ્રોગ પેરાશૂટ શા માટે સૌથી મહત્વપૂર્ણ છે?

  • ડ્રોગ પેરાશૂટ સિસ્ટમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે સૌથી કઠિન પરિસ્થિતિઓમાં કાર્ય કરે છે જેમ કે
  • અતિઉચ્ચ ગતિ
  • ભારે ગરમી
  • હવામાં અચાનક બદલાતી પવન દિશા
  • આ પરિસ્થિતિઓમાં પેરાશૂટનું યોગ્ય રીતે કાર્ય કરવું ક્રૂની સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે.

આ પરીક્ષણમાં કોનો ફાળો?

  • આ પરીક્ષણો ISRO અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) વચ્ચેના સંયુક્ત પ્રયાસનો પરિણામ છે. તેમાં નીચેની સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી
  • વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)
  • એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE)
  • ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL)
  • RTRS સુવિધા એક વિશેષ રેલ ટ્રેક છે જ્યાં રોકેટ સ્લેડ દ્વારા હાઇ-સ્પીડ પરીક્ષણો કરવામાં આવે છે, જે અવકાશમાંથી પરત ફરતી વાસ્તવિક પરિસ્થિતિઓનું સચોટ અનુસરણ કરે છે.
ગગનયાન મિશનનું મહત્વ

ગગનયાન ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન છે, જેમાં ત્રણ ભારતીય અવકાશયાત્રીઓ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં (લગભગ 400 કિલોમીટર) ત્રણ દિવસ વિતાવશે અને પછી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફરશે. ક્રૂ મોડ્યુલનું સલામત પરત ફરવું મિશનની સફળતાનો સૌથી મોટો પડકાર છે, જેમાં પેરાશૂટ સિસ્ટમની ભૂમિકા નિર્ણાયક છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ એ આ સિદ્ધિ માટે ISROની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત હવે તેના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશનની એક ડગલું નજીક પહોંચી ગયું છે.

આ પણ વાંચો : UAEમાં મુશળધાર વરસાદથી કુદરતનો અદભુત નજારો, પર્વતો પર વાદળોની ચાદર જુઓ વીડિયો


  • Follow us on: