આધુનિક યુગમાં લોકો વાળની કાળજી રાખવા માટે અવનવા શેમ્પૂનો ઉપયોગ કરતા હોય છે જે વાળને નાન મોટા નુકસાનથી બચાવે છે, પરંતુ આ શેમ્પૂનો પણ એક રોચક ઇતિહાસ રહ્યો છે જે ભારત સાથે જપડાયેલો છે.


શેમ્પૂ નામ કેવી રીતે પડ્યું?

આજકાલ મોટા ભાગના લોકો વાળને હેલ્ધી રાખવા માટે શેમ્પૂ વાપરતા હોય છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે શેમ્પૂ નામ કેવી રીતે પડ્યું. વાસ્તવમાં શેમ્પૂ નામ પાછળ હિન્દી શબ્દ ચંપુ અથવા ચંપીનો ઇતિહાસ રહેલો છે. શેમ્પૂ શબ્દ હિન્દી શબ્દ ચંપુ અથવા ચંપી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે માથાની માલિશ. પ્રાચીન ભારતમાં, જ્યારે રસાયણો ગેરહાજર હતા, ત્યારે લોકો તેમના વાળ સાફ કરવા માટે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા.

પ્રાચીન સમયમાં શેમ્પૂ કેવી રીતે ઉપયોગમાં આવ્યું?

આજથી વર્ષો પહેલા ભારતમાં પ્રાચીન યુગમાં વાળને સાફ કરવા માટે લોકો રીઠા , શિકાકાઈ અને ભૃંગરાજ જેવા આયુર્વેદિક તત્વોની પેસ્ટ બનાવીને તેનો લેપ માથામાં લગાવતા હતા. કુદરતી ઘટકોમાંથી બનેલ આ હર્બલ પેસ્ટનો બાદમાં વ્યાપક ઉપયોગ થવા લાગ્યો હતો. જોકે જે તે સમયે આ આયુર્વેદિક પેસ્ટનો ઉપયોગ શ્રીમંત વ્યક્તિઓ અને રાજ પરિવારના સભ્યો વધારે કરતાં હતા કેમ કે સામન્ય વર્ગ માટે તે ગજા બહારની વાત હતી.

આધુનિક શેમ્પૂ કેવી રીતે શોધાયું?

શેમ્પૂની શોધ ચોક્કસથી ભારતમાં થઈ અને તેના મૂળિયાં પ્રાચીન યુગના આયુર્વેદમાં પણ જોવા મળે છે પરંતુ તેનું બોટલિંગ વિદેશમાં કરવામાં આવ્યું હતું. વર્ષ 1927 માં, જર્મન શોધક હંસ શ્વાર્ઝકોપ્ફે પ્રવાહી શેમ્પૂની શોધ કરી હતી જે આયુર્વેદિક ન હતું પણ તેમાં ચોક્કસ રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી એક અલગ સુગંધ આવતી હતી. ધીમે ધીમે, તે એક વ્યાપારી ઉત્પાદન બન્યું, અને વિવિધ કંપનીઓએ બાદમાં આધુનિક શેમ્પૂ બનાવવા માટે કૃત્રિમ સુગંધ અને રસાયણો પણ ઉમેર્યા.

  • Follow us on: