બજારમાં જ્યારે આપણે શાકભાજી કે અન્ય ફળો લેવા જઈએ છીએ, ત્યારે મોટાભાગે આપણે કિલોગ્રામના હિસાબે ખરીદી કરતા હોઈએ છીએ. પરંતુ કેળા એક એવું ફળ છે જે વર્ષોથી નંગ અથવા ડઝનના હિસાબે વેચાય છે. એક ડઝનમાં હંમેશા 12કેળા જ હોય છે, 10 કે 15 નહીં. આ સંખ્યા પાછળ એક ખાસ ગણિતીય સરળતા જવાબદાર છે.
12 ની સંખ્યાનું ગણિતીય મહત્વ
એક ડઝનમાં 12 જ નંગ રાખવા પાછળનું મુખ્ય કારણ પ્રાચીન ગણતરી પદ્ધતિ છે. ઇતિહાસકારો અને નિષ્ણાતોના મતે, પ્રાચીન બેબીલોનીયન સંસ્કૃતિના લોકોએ શોધ્યું હતું કે '12' એક એવી સંખ્યા છે જેનું વિભાજન અત્યંત સરળ છે. 12ને તમે 2, 3, 4 અને 6 જેવી નાની સંખ્યાઓ વડે નિઃશેષ ભાગી શકો છો.
ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 12 કેળા હોય, તો તમે તેને બે લોકોમાં (6 6), ત્રણ લોકોમાં (4 4), ચાર લોકોમાં (3 3) કે છ લોકોમાં (2 2) ખૂબ જ સરળતાથી સરખે ભાગે વહેંચી શકો છો. જો આ સંખ્યા 10 હોત, તો તેને માત્ર 2 અને 5 વડે જ ભાગી શકાત, જે વહેંચણીમાં મર્યાદા ઉભી કરે છે. આ ગણિતીય લવચીકતાને કારણે ૧૨ નંગને એક પ્રમાણભૂત માપ (Standard Unit) તરીકે સ્વીકારવામાં આવ્યું.
વેપારી દૃષ્ટિકોણ અને સરળતા
કેળાને ડઝનમાં વેચવા પાછળ વેપારીઓની સરળતા પણ રહેલી છે. કેળા એ નાજુક ફળ છે. જો દરેક ગ્રાહક માટે તેને વારંવાર ત્રાજવે તોલવામાં આવે, તો તેનાથી કેળા દબાઈ જવાનો કે બગડી જવાનો ભય રહે છે. નંગના હિસાબે વેચવાથી વેપારીનો સમય બચે છે અને ગણતરી પણ ઝડપી બને છે.
અન્ય રસપ્રદ દલીલ
બીજી એક રસપ્રદ દલીલ એવી પણ છે કે, જ્યારે તમે ડઝનના હિસાબે કેળા ખરીદો છો, ત્યારે તમે તેના વજન માટે નહીં પણ તેની સંખ્યા માટે ચૂકવણી કરો છો. કેળાની છાલ જાડી હોય છે, તેથી જો તે કિલોમાં વેચાય તો ગ્રાહકને છાલના વજનના પણ પૈસા ચૂકવવા પડે છે. નંગના હિસાબે ખરીદીમાં ગ્રાહકને માત્ર ફળની સંખ્યાનો જ ફાયદો મળે છે.
આ પણ વાંચોઃ Knowledge : ચૂંટણી હાર્યા પછી પણ જો મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો શું પગલાં લેવાય છે, જાણો કાનૂન