મોબાઈલ અને ઇન્ટરનેટ સુવિધાના કારણે રોજિંદા કાર્યો સરળ બન્યા છે. આજના ડિજિટલ યુગમાં અનેક કામો હવે મિનિટોમાં થાય છે. ઇન્ટરનેટ સુવિધાના કારણે લોકોને ઝંઝટ ભર્યા કામો ચપટીમાં થાય છે. એટલે જ રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, હોટલ કે કેફેમાં ઇન્ટરનેટ સુવિધા મફત આપવામાં આવે છે. પરંતુ ફ્રીમાં મળતી પબ્લિક વાઇ-ફાઇ (Public Wi-Fi)સુવિધા ભલે લાગતી હોય પરંતુ કયારેક મોટું આર્થિક સંકટ બની શકે છે. પબ્લિક વાઇ-ફાઇ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. મફતના ચક્કરમાં તમે જીવનભરની કમાણી ગુમાવી શકો છો. જાણો કેવી રીતે પબ્લિક વાઇ-ફાઇ તમારા માટે મોટું આર્થિક સંકટ બની શકે છે.
જાહેર સ્થાન પર ઇન્ટરનેટ સુવિધા મફત
કેટલીક ટેલિકોમ કંપનીઓ દ્વારા મફત ઇન્ટરનેટ સુવિધા આપ્યા બાદ લોકો તેનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા. હવે એવો સમય છે કે ટીવી હોય કે ના હોય મોબાઈલમાં ડેટા માટે ઇન્ટરનેટ જરૂરી છે. એટલે જ હવે આ કંપનીઓ શ્વાસ મનાતા એવા ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારના ડેટા પ્લાન લાવી છે. જો કે લોકોની જીવનશૈલી એટલી ખર્ચાળ બની છે કે તેઓ બચતના રસ્તા શોધતા હોય છે. એટલે જ કેટલાક જાહેર સ્થાન પર જયારે ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇ મફત આપવામાં આવે ત્યારે લોકો ડેટા બચાવવા તેનો ઉપયોગ કરે છે. પરંતુ આ નેટવર્ક સાથે કનેક્ટ થતા જ તેમનું બેક બેલેન્સ ઝીરો થઈ જાય છે.
પબ્લિક વાઇ-ફાઇ સુવિધા નથી સુરક્ષિત
શું તમે જાણો છો કે આ 'ફ્રી' સુવિધા તમારા બેંક ખાતાને સેકન્ડોમાં ખાલી કરી શકે છે? સાયબર સુરક્ષામાં આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પપબ્લિક વાઇ-ફાઇ નેટવર્ક સુરક્ષિત હોતા નથી. હેકર્સ ઘણીવાર અસલી નેટવર્ક જેવું જ દેખાતું 'ફેક' વાઇ-ફાઇ હોટસ્પોટ બનાવે છે. જ્યારે તમે તેની સાથે કનેક્ટ થાઓ છો, ત્યારે તમારી અને ઇન્ટરનેટ વચ્ચે થતી તમામ આપ-લે હેકર જોઈ શકે છે. આ પદ્ધતિને 'મેન-ઈન-ધ-મિડલ' (MITM) એટેક કહેવામાં આવે છે. જો તમે આ નેટવર્ક પર બેંકિંગ એપ ખોલો અથવા યુઝરનેમ અને પાસવર્ડ નાખો, તો હેકર્સ તે ડેટા ચોરી લે છે અને તમારા ખાતામાંથી નાણાં ઉપાડી શકે છે.
ડેટા ચોરી અને વાયરસનો ખતરો
બેંકિંગ ફ્રોડ સિવાય, પબ્લિક વાઇ-ફાઇ દ્વારા તમારા ફોન કે લેપટોપમાં માલવેર (વાયરસ) મોકલવાનું પણ સરળ રહે છે. એકવાર હેકર તમારા ઉપકરણમાં પ્રવેશ મેળવે, પછી તે તમારા અંગત ફોટા, ઈમેઈલ અને કોન્ટેક્ટ્સનો દુરુપયોગ કરી શકે છે. ઘણીવાર હેકર્સ તમારા બ્રાઉઝરની વિગતો ટ્રેક કરીને તમે કઈ વેબસાઈટ પર જાઓ છો અને કયા પાસવર્ડ સેવ કરેલા છે તેની માહિતી મેળવી લે છે.
ફ્રોડથી બચવા માટે શું કરવું?
- બેંકિંગ વ્યવહાર ટાળો: પબ્લિક વાઇ-ફાઇ પર ક્યારેય બેંકિંગ ટ્રાન્ઝેક્શન, યુપીઆઈ (UPI) પેમેન્ટ કે ઓનલાઈન શોપિંગ ન કરો.
- VPN નો ઉપયોગ કરો: જો અનિવાર્ય સંજોગોમાં પબ્લિક વાઇ-ફાઇ વાપરવું પડે, તો સારા Virtual Private Network (VPN) નો ઉપયોગ કરો જે તમારા ડેટાને એન્ક્રિપ્ટ કરે છે.
- ઓટો-કનેક્ટ બંધ રાખો: તમારા ફોનમાં 'Auto-connect to Wi-Fi' ફીચર બંધ રાખો જેથી ફોન આપમેળે અજાણ્યા નેટવર્ક સાથે ન જોડાય.
- ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA): તમારા તમામ મહત્વના એકાઉન્ટ્સમાં 2FA સક્રિય રાખો, જેથી પાસવર્ડ ચોરાય તો પણ હેકર લોગઈન ન કરી શકે.