ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં દિવસની શરૂઆત ચાના કપ વગર થતી હોય. સવારની આળસ ઉડાડવી હોય, મિત્રો સાથે ગપસપ લડાવવી હોય કે ઓફિસના ટેન્શનમાંથી થોડી રાહત મેળવવી હોય, ગરમ ચાનો એક કપ દરેક પ્રસંગને ખાસ બનાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે કરોડો ભારતીયોની પ્રિય એવી આ ચાનો ઉદ્ભવ ભારતમાં નહીં, પરંતુ હજારો વર્ષ પહેલાં ચીનમાં થયો હતો? આંતરરાષ્ટ્રીય ચા દિવસ (International Tea Day) નિમિત્તે, ચાલો જાણીએ એક આકસ્મિક પાંદડું પડવાથી શરૂ થયેલી ચાની શોધ અને ભારત સુધીની તેની રોમાંચક સફરની વાર્તા.
ચીનના પહાડોમાં થઈ હતી ચાની આકસ્મિક શોધ
ચાનો ઈતિહાસ આશરે 5,000 વર્ષ જૂનો માનવામાં આવે છે, જેનો ઉદ્ભવ ચીનના યુનાન પ્રાંતના પર્વતોમાં થયો હતો. એક પ્રચલિત ચીની દંતકથા અનુસાર, ત્યાંના સમ્રાટ શેન નોંગ એક ઝાડ નીચે બેઠા હતા અને તેમની નજીક પાણી ઉકળતું હતું. એ જ સમયે ઝાડના કેટલાક પાંદડા ઉડીને ગરમ પાણીમાં પડ્યા. જ્યારે રાજાએ આ પાણી પીધું, ત્યારે તેમને અદભુત સ્વાદ અને તાજગીનો અનુભવ થયો અને આ રીતે આકસ્મિક રીતે 'ચા' ની શોધ થઈ.
એક જમાનામાં 'દવા' તરીકે થતો હતો ઉપયોગ
શરૂઆતના સમયમાં ચીની સંસ્કૃતિમાં ચાને રોજિંદા પીણા તરીકે નહીં, પરંતુ એક ઔષધિ (દવા) તરીકે જોવામાં આવતી હતી. લોકોનું માનવું હતું કે ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે, મગજ તેજ થાય છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. ધીમે-ધીમે ચા ચીનના સામાન્ય જીવનનો એક ભાગ બની ગઈ. જોકે, ચીનમાં ચા પીવી એ એક કળા અને શાંતિનું પ્રતીક છે. ત્યાંના લોકો ચાના અસલી અને કુદરતી સ્વાદને માણવા માટે આજે પણ દૂધ કે ખાંડ વગરની સાદી ચા પીવાનું જ પસંદ કરે છે.
બ્રિટિશરો ચાને ભારતમાં કેવી રીતે લાવ્યા?
૧૭મી સદીમાં ચીની વેપારીઓ દ્વારા ચા સૌપ્રથમ યુરોપ પહોંચી. બ્રિટિશરો તેના સ્વાદના દીવાના બની ગયા અને ચીનથી મોટા પાયે ચા ખરીદવા લાગ્યા. પરંતુ ચાના વેપાર પર સંપૂર્ણ એકાધિકાર ચીનનો હોવાથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગતી હતી. આ જ કારણોસર બ્રિટિશરોએ ભારતમાં ચાની ખેતી કરવાના પ્રયોગો શરૂ કર્યા. શરૂઆતમાં ચીનથી લાવેલા બીજ નિષ્ફળ રહ્યા, પરંતુ ખરી સફળતા ત્યારે મળી જ્યારે આસામના જંગલોમાં ચાના જંગલી છોડ મળી આવ્યા. આસામની ચાના પાંદડા ચીની ચા કરતાં મોટા હતા અને તેનો સ્વાદ વધુ કડક (Strong) હતો, જે આગળ જતાં આખી દુનિયામાં પ્રખ્યાત થઈ.
ભારતે ચાને આપ્યો 'દેશી તડકો', જન્મ થયો 'મસાલા ચા' નો!
શરૂઆતના ગાળામાં ભારતમાં ઉગાડવામાં આવતી બધી જ ચા વિદેશોમાં નિકાસ થતી અને ભારતીયો બહુ ઓછી ચા પીતા હતા. પરંતુ ૨૦મી સદીમાં એક મોટા પ્રચાર અભિયાન (Promotion Campaign) પછી ચા ભારતના દરેક ઘરના રસોડા સુધી પહોંચી ગઈ. ચીનના લોકો જ્યાં સાદી ચા પીતા હતા, ત્યાં ભારતીયોએ તેમાં પોતાની પરંપરા મુજબ દૂધ, ખાંડ, આદુ, એલચી અને લવિંગ જેવા મસાલા ઉમેરીને તેને એક નવો જ અંદાજ આપ્યો. આ રીતે જન્મ થયો ભારતની ઓળખ સમાન 'મસાલા ચા' નો.
ચીની ચા વિરુદ્ધ ભારતીય ચા: શું છે તફાવત?
ચાઇનીઝ ચાનો સ્વાદ ખૂબ જ હળવો, કુદરતી અને માટીની સુગંધ વાળો હોય છે, જેને ખૂબ ધીમેથી માણવામાં આવે છે. જ્યારે ભારતીય ચા કડક, દૂધ-મસાલાથી ભરપૂર અને ત્વરિત તાજગી આપનારી હોય છે. ચીનમાં ચા પીવી એ ધ્યાન (Meditation) અને શાંતિનું પ્રતીક છે, જ્યારે ભારતમાં ચા એ ગપસપ, સત્કાર, મુલાકાતો અને સંબંધોને મજબૂત કરવાનું એક બહાનું છે.વાતચીત, બંધન અને મેળાવડાનું બહાનું બની જાય છે. ભારત અને ચીનની ચામાં સ્વાદ અને સંસ્કૃતિના તફાવત છે.
આ પણ વાંચો : New York ને પણ ટક્કર આપે એવું છે મુંબઇનું આ સ્થળ, ક્વીન નેકલેસની જેમ ચમકી ઉઠે છે રાત્રે