આજકાલ આપણે અવકાશમાંથી લેવામાં આવેલી તસ્વીરોમાં પૃથ્વીને વાદળી, લીલી અને સફેદ રંગના મિશ્રણ સાથે છીએ. મહાસાગરોના કારણે વાદળી, જંગલો અને વનસ્પતિના કારણે લીલો અને વાદળોના કારણે સફેદ રંગ દેખાય છે. પરંતુ વૈજ્ઞાનિકોની એક રસપ્રદ ધારણા કહે છે કે અબજો વર્ષ પહેલાં પૃથ્વીનો દેખાવ સંપૂર્ણપણે અલગ—ઘેરો જાંબલી—હતો. આ વિચારને “પર્પલ અર્થ હાઇપોથિસિસ” કહેવામાં આવે છે. આ પૂર્વધારણા મુજબ પૃથ્વી પરના પ્રારંભિક જીવનમાં આજની જેમ હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) નહોતું, પરંતુ “રેટિનલ” નામનું સરળ રંગદ્રવ્ય વધુ પ્રચલિત હતું.


જાંબલી પૃથ્વી પૂર્વધારણા શું કહે છે?

વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વીના શરૂઆતના અબજો વર્ષોમાં વાતાવરણમાં ઓક્સિજન ઓછું અને કાર્બન ડાયોક્સાઇડ તથા મિથેન વધારે હતા. આવી પરિસ્થિતિમાં પ્રાચીન સુક્ષ્મસજીવો સૂર્યપ્રકાશમાંથી ઊર્જા મેળવવા માટે ક્લોરોફિલ નહીં પરંતુ રેટિનલ નો ઉપયોગ કરતા હતા. રેટિનલ લીલા અને પીળા પ્રકાશને શોષી લે છે અને લાલ તથા વાદળી પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. આ બે રંગો મળીને જાંબલી દેખાવ આપે છે, એટલે આવા સુક્ષ્મસજીવો મોટા પ્રમાણમાં હોય તો ગ્રહ જાંબલી દેખાઈ શકે. આ વિચાર 2007માં મોલેક્યુલર બાયોલોજિસ્ટ શિલાદિત્ય દાસશર્માએ રજૂ કર્યો હતો. તેમના અનુસાર પ્રારંભિક ફોટોસિન્થેસિસ રેટિનલ આધારિત હોઈ શકે, જે ક્લોરોફિલ કરતાં સરળ અણુ છે.

શું આજે પણ આવા જાંબલી સુક્ષ્મસજીવો મળે છે?

હા. આજકાલ પણ કેટલાક સુક્ષ્મસજીવો—જેમ કે હેલો આર્કિયા (Haloarchaea)—રેટિનલ આધારિત પ્રકાશ-ઊર્જા પ્રણાલી ઉપયોગ કરે છે. તેમના કોષમાં બેક્ટેરિયોરોડોપ્સિન નામનું પ્રોટીન હોય છે, જે પ્રકાશથી ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આથી વૈજ્ઞાનિકો માને છે કે પ્રાચીન સમયમાં આવા જાંબલી રંગના સુક્ષ્મસજીવો મહાસાગરો અને સપાટી પર વ્યાપક હોઈ શકે.

પછી પૃથ્વી લીલી અને વાદળી કેમ બની?

સમય જતાં ક્લોરોફિલ આધારિત પ્રકાશસંશ્લેષણ વિકસ્યું, ખાસ કરીને સાયનોબેક્ટેરિયા જેવા સજીવોમાં. તેઓ સૂર્યપ્રકાશથી ઊર્જા બનાવતા અને ઓક્સિજન ઉત્પન્ન કરતા, જેના કારણે ધીમે ધીમે વાતાવરણમાં ઓક્સિજન વધ્યો—જેને “ગ્રેટ ઓક્સિજન ઈવેન્ટ” કહેવાય છે. ક્લોરોફિલ લાલ અને વાદળી પ્રકાશ શોષી લે છે અને લીલો પ્રકાશ પરાવર્તિત કરે છે, તેથી પૃથ્વી પર વનસ્પતિ વધતાં ગ્રહ લીલો દેખાવા લાગ્યો. વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે શરૂઆતમાં રેટિનલ આધારિત અને ક્લોરોફિલ આધારિત સજીવો સાથે-સાથે અસ્તિત્વમાં રહ્યા હશે અને વિકાસક્રમે ક્લોરોફિલ વધુ પ્રભાવશાળી બન્યું.

આ પૂર્વધારણાનો મહત્વ શું છે?

“પર્પલ અર્થ” વિચાર માત્ર પૃથ્વીના ભૂતકાળ વિશે જ નથી, પરંતુ અન્ય ગ્રહો પર જીવન શોધવામાં પણ મદદરૂપ બની શકે છે. જો કોઈ ગ્રહ પર રેટિનલ આધારિત જીવન હોય તો તેની પ્રકાશ-પરાવર્તન પૅટર્ન જુદી હોઈ શકે, જે વૈજ્ઞાનિકો માટે બાયોસિગ્નેચર બની શકે છે. પૃથ્વી ખરેખર જાંબલી હતી એવું સત્ય તરીકે સાબિત નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન સૂચવે છે કે પ્રારંભિક જીવનના સ્વરૂપને કારણે એવો દેખાવ શક્ય હતો. આ પૂર્વધારણા આપણને બતાવે છે કે સમય સાથે પૃથ્વીનો રંગ, વાતાવરણ અને જીવનની પદ્ધતિઓ કેવી રીતે બદલાતી ગઈ.

આ પણ વાંચો : India US trade deal : ટેરિફ યુદ્ધનો અંત! ભારત-અમેરિકા વેપાર કરારથી ભારતીય માલ થશે સસ્તો


  • Follow us on: