સાપ દુનિયાનું એવું ખતરનાક જીવ છે, જેના વિશે વિચારતાં જ શરીરમાં કંપારી છૂટી જાય છે. તેમને પગ હોતા નથી, તેમ છતાં તેઓ સરકીને દોડવાની બાબતમાં માણસોને પણ પાછળ છોડી શકે છે. પરંતુ શું તમે ક્યારેય એવા સાપ વિશે સાંભળ્યું છે, જે પોતાના શરીરને ગોળ કરીને લોટાં મારીને પણ ભાગી શકે છે? વૈજ્ઞાનિકોએ આવા જ એક સાપની ઓળખ કરી છે, જે પોતાની સામે જોખમ દેખાતાં સરકવાને બદલે શરીરને ગોળ કરીને લોટાં મારવા લાગે છે.

દુનિયામાં પહેલીવાર ગુલાટી મારીને ભાગતા સાપ જોવા મળ્યા

સાયન્સ ન્યૂઝ વેબસાઇટના અહેવાલ મુજબ, કોઈ પણ માણસે ચક્રની જેમ ગોળ ફરીને આગળ વધવું હોય તો સામાન્ય રીતે તેને હાથ અને પગ બંનેની જરૂર પડે છે.

પરંતુ સાપને તો હાથ-પગ જ હોતા નથી. તેમ છતાં દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળતા કેટલાક નાના સાપ આ અનોખી કળા દ્વારા દુશ્મનોને ચકમો આપે છે. વૈજ્ઞાનિકોએ પહેલીવાર 2023માં 'રીડ' નામના એક વામન સાપને જોખમથી બચવા માટે ચક્રની જેમ ગોળ ફરીને લોટાં મારતો જોયો હતો.

ત્યારબાદ આ પ્રકારના કેટલાક સાપને પકડીને પ્રયોગશાળામાં લાવવામાં આવ્યા અને તેમના વર્તન પર નજર રાખવામાં આવી. ત્યાં વૈજ્ઞાનિકોએ આ જ પ્રજાતિના ત્રણ સાપને ઝડપથી લોટાં મારતા જોયા તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

કુશળ કલાકારની જેમ શરીરને ગોળ કરી લે છે

અહેવાલ મુજબ, લોટાં મારવા માટે દરેક સાપ પોતાના શરીરને અંગ્રેજી અક્ષર 'C' આકારમાં વાળે છે. આમ કરવાથી તેનું માથું જમીનથી થોડું ઉપર ઊંચું થઈ જાય છે. ત્યારબાદ તે પોતાની પૂંછડીને પાછળની તરફ ઝટકો આપે છે, જેના કારણે તે થોડી ક્ષણ માટે હવામાં ઊછળી જાય છે.

હવામાં ઊછળતાં જ સાપ પોતાની પૂંછડીને માથા ઉપરથી આગળ અને નીચેની તરફ ફેરવે છે. સાપની પૂંછડી જ્યારે તેના માથાની આગળ જમીન સાથે અથડાય છે, ત્યારે તેનો આગળનો ગોળ ચક્કર શરૂ થઈ જાય છે.

સાપના આ અનોખા વર્તન અંગેનો અહેવાલ 'કરન્ટ બાયોલોજી' નામના જર્નલમાં પ્રકાશિત થયો છે. આ સંશોધનમાં સાપની લોટાં મારીને આગળ વધવાની અનોખી રીત વિશે માહિતી આપવામાં આવી છે.

મલેશિયાના કુબાહ નેશનલ પાર્કમાં મળ્યા અનોખા સાપ

આ સંશોધન સાથે જોડાયેલા જાપાનના જીવવિજ્ઞાની યોસુકે કોજિમા સાપના આ વર્તનને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે પોતાના સાથી સંશોધકો સાથે મળીને મલેશિયાના કુબાહ નેશનલ પાર્કમાંથી આ સાપ એકત્રિત કર્યા હતા.

કોજિમાએ હસતાં-હસતાં કહ્યું કે આ સાપને શોધવાનું કામ સરળ નહોતું. તેમની લંબાઈ માત્ર 11થી 28 સેન્ટિમીટર જેટલી હતી અને તેઓ મોટાભાગે પાંદડાંની નીચે છુપાયેલા રહેતા હતા.

સાપને પકડ્યા બાદ Pseudorabdion પ્રજાતિના સાપને કેમેરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ ચક્રની જેમ ગોળ-ગોળ ફરીને ભાગતા જોવા મળ્યા હતા. તેમની લોટાં મારવાની ઝડપ 6થી 13 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.

લોટાં મારતી વખતે આ સાપ કુશળ કલાકારની જેમ પોતાનું માથું મોટા ભાગે સ્થિર રાખતા હતા.

દુનિયાભરના વૈજ્ઞાનિકો આ શોધથી આશ્ચર્યચકિત

બ્રાઉન યુનિવર્સિટીના જીવવિજ્ઞાની જેસિકા ટિંગલ આ સંશોધનમાં સામેલ નહોતાં. જોકે, જ્યારે તેમને આ અનોખા સાપ વિશે જાણવા મળ્યું ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

તેમણે કહ્યું કે સામાન્ય રીતે સાપને સરકીને ચાલતા જીવ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ સાપનું વર્તન એકદમ અનોખું છે. સાપ જેવું લાંબું પ્રાણી પણ આટલી ઝડપથી ગોળ-ગોળ ફરીને આગળ વધી શકે છે, તે ખરેખર આશ્ચર્યજનક બાબત છે.

આ પણ વાંચો:Nitin Gadkariએ કરી મોટી અપીલ હવે ખાનગી બાઇક પણ બનશે Bike Taxi! 15થી 20 કરોડ લોકોને રોજગારની આશા