સામાન્ય રીતે આપણે ચાની કિંમત સો-બસો રૂપિયા પ્રતિ કિલો ગણતા હોઈએ છીએ, પરંતુ ચીનની 'દા હોંગ પાઓ' (Da Hong Pao) ચાની વાત જ કંઈક અલગ છે. આ દુનિયાની સૌથી મોંઘી અને દુર્લભ ચા છે. આ ચા એટલી કિંમતી છે કે તેની 20 ગ્રામની કિંમતમાં તમે એક વૈભવી ફ્લેટ અથવા મોંઘી લક્ઝરી કાર ખરીદી શકો છો.

કિંમત જે સાંભળીને હોશ ઉડી જાય

વર્ષ 2002 માં ચીનમાં થયેલી એક હરાજીએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. એક અમીર વ્યક્તિએ માત્ર 20 ગ્રામ દા હોંગ પાઓ ચા માટે અંદાજે 1.8 થી 2 મિલિયન રૂપિયા ચૂકવ્યા હતા. જો આ હિસાબે જોઈએ તો, આ ચાના એક કપની કિંમત આશરે 10 લાખ રૂપિયા જેટલી થાય છે. આ ચા સોના કરતાં પણ 30 ગણી વધુ મોંઘી હોવાનું મનાય છે.

શા માટે આ ચા આટલી મોંઘી છે?

આ આસમાની કિંમત પાછળનું મુખ્ય કારણ તેની અછત અને ઇતિહાસ છે. આ ચા ચીનના ફુજિયન પ્રાંતના વુયિશાન પર્વતોમાં આવેલા ખાસ ‘માતૃ વૃક્ષો’ (Mother Trees) પરથી મેળવવામાં આવે છે. આ પ્રાચીન વૃક્ષોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે અને તે સરકારી મિલકત છે. આ વૃક્ષોની સુરક્ષા માટે વર્ષો સુધી સશસ્ત્ર સૈનિકો તૈનાત કરવામાં આવતા હતા. આ જૂના વૃક્ષો વર્ષ દરમિયાન માત્ર થોડાક સો ગ્રામ ચા જ આપે છે, જે મોટાભાગે ખાસ મહેમાનો અને ઉચ્ચ અધિકારીઓ માટે જ સુરક્ષિત રાખવામાં આવે છે.

નામ પાછળની રસપ્રદ લોકવાયકા

'દા હોંગ પાઓ'નો અર્થ થાય છે ‘મોટો લાલ ઝભ્ભો’. એક પૌરાણિક કથા મુજબ, ચીની સમ્રાટની માતા આ ચા પીધા પછી એક અસાધ્ય બીમારીમાંથી સાજી થઈ ગઈ હતી. સમ્રાટે આભાર વ્યક્ત કરવા માટે તે ચાના ઝાડને પોતાના શાહી લાલ ઝભ્ભાથી ઢાંકી દીધા હતા, ત્યારથી તેનું નામ 'દા હોંગ પાઓ' પડી ગયું.

સામાન્ય લોકો માટે શું વિકલ્પ છે?

જોકે અસલી માતૃ વૃક્ષોની ચા ખરીદવી સામાન્ય માણસ માટે અશક્ય છે, પરંતુ વુયિશાનના બજારોમાં તે જ મૂળ વૃક્ષોની કલમોમાંથી તૈયાર કરેલી નવી ચા ઉપલબ્ધ છે. તેની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે 8000 રૂપિયાથી શરૂ થાય છે, જે અસલી 'એન્ટીક' ચાની સરખામણીએ ઘણી ઓછી છે.

આ પણ વાંચોઃ શું તમે Spainમાં મફત ઘર અને નોકરી ઇચ્છો છો?, તો આ શરતો પૂર્ણ કરીને મેળવો ઓફર