આજના સમયમાં AIનો ઉપયોગ મોટાભાગની સંસ્થામાં કામ માટે થતો હોય છે , ત્યારે Microsoft ઈન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રમુખ પુનીત ચંડોકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI અંગે ચાલી રહેલી નોકરી ગુમાવવાની ચર્ચા પર મહત્વપૂર્ણ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, AI નોકરીઓને ખતમ નહીં કરે, પરંતુ તેમને ફરીથી શોધશે. વાસ્તવિક ખતરો ટેકનોલોજી નહીં, પરંતુ શીખવાનો ઇનકાર છે.


AI નોકરીઓ છીનવી લેતું નથી, તે તેમને બદલે છે

પુનીત ચંડોકનું માનવું છે કે AI નોકરીઓને બંધ નહીં કરે. તેના બદલે, તે નોકરીઓને નાના-નાના કાર્યોમાં વિભાજીત કરશે જેને તેમણે “Unbundling of jobs” કહ્યું. એટલે કે એક જ ભૂમિકામાં લાંબા સમય સુધી કામ કરવાની જૂની રીત બદલાશે. કર્મચારીઓએ નવી કુશળતા અપનાવવી પડશે, નહીં તો તેઓ પાછળ રહી શકે છે.

સ્થિર કારકિર્દીનો યુગ હવે અંતિમ તબક્કામાં

પુનીત ચંડોકે કહ્યું કે ઔદ્યોગિક યુગનું મોડેલ જ્યાં વ્યક્તિ એક વાર અભ્યાસ કરીને આખું જીવન એક જ નોકરીમાં પસાર કરે હવે તેવું નહીં રહે. AIના વધતા પ્રભાવ સાથે,આપણે એવી છેલ્લી પેઢી હોઈ શકીએ છીએ જેમણે સ્થિર અને લાંબા ગાળાની કારકિર્દી જોઈ છે. ભાવિ પેઢીઓ એક નોકરી સુધી મર્યાદિત નહીં રહે,તેઓ વિવિધ કુશળતા અને પ્રોજેક્ટ્સનો પોર્ટફોલિયો બનાવશે.

વાસ્તવિક લાલ નિશાની AI નહીં, શીખવાનો ઇનકાર

AIને કારણે નોકરી ગુમાવવાની ચિંતાઓ અંગે પુનીતક ચંડોકે સ્પષ્ટ કહ્યું કે ઓટોમેશન પોતે ખતરો નથી. તેમના મતે, નવી AI દુનિયામાં સૌથી મોટો ખતરો શીખવાનો ઇનકાર છે. તેમણે શીખવાની તુલના ઓક્સિજન માસ્ક સાથે કરી મતલબ સતત શીખ્યા વિના આપણે અપ્રસ્તુત બની જઈએ છીએ. જે લોકો સમયસર પોતાની કુશળતા અપડેટ નથી કરતા, તેઓ સૌથી પહેલા બહાર થઈ શકે છે.

સત્ય નડેલા: AIમાં ડેટા સૌથી મોટી સંપત્તિ

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ પણ AI ટૂર દરમિયાન કહ્યું કે ભલે AI મોડેલો સમય સાથે કોમોડિટી બની જાય, પરંતુ ડેટા સૌથી મૂલ્યવાન સંપત્તિ રહેશે. તેમણે ઉદાહરણ આપ્યું કે મહારાષ્ટ્રમાં માઈક્રોસોફ્ટના AI ટૂલ્સના ઉપયોગથી સાયબર ક્રાઈમ તપાસમાં 80% સુધી વિલંબ ઘટ્યો છે. હાલ આ સિસ્ટમ નાગપુરના 23 પોલીસ સ્ટેશનોમાં કાર્યરત છે અને તેને 1,100 સ્ટેશનો સુધી વિસ્તૃત કરવાની યોજના છે. ઉપરાંત, માઈક્રોસોફ્ટ અદાણી સિમેન્ટ, યસ બેંક, આદિત્ય બિરલા ગ્રુપ અને LTI માઇન્ડટ્રી જેવી કંપનીઓ સાથે પણ AI પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો : Tech News: WhatsApp યુઝર્સ માટે ધમાકેદાર અપડેટ; કોલિંગ, સ્ટેટસ અને AI સંબંધિત અનેક નવા ફીચર્સ લોન્ચ


  • Follow us on: