નેપાળમાં પૂરના પાણી ઓસરતાની સાથે જ તબાહીનું ભયાનક દ્રશ્ય સામે આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧,૦૦૦થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૪,૦૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નિષ્ણાતોના મતે, આ વિનાશક પૂર માત્ર હિમનદી તળાવ ફાટવાને કારણે નથી આવ્યું, પરંતુ બરફીલા પર્વતનો એક મોટો ભાગ તળાવમાં તૂટી પડવાથી સર્જાયું છે. આ ઘટના પાછળ ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળી રહેલો પર્માફ્રોસ્ટ મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.
પર્માફ્રોસ્ટ શું છે અને તે પર્વતોને કેવી રીતે મજબૂત રાખે છે?
પર્માફ્રોસ્ટ એ જમીન, માટી, રેતી અને ખડકોનું એવું મિશ્રણ છે જે સતત ૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી ૦ ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછા તાપમાને થીજેલું રહે છે. વૈજ્ઞાનિકો તેને 'ક્રાયોસ્ફેરિક ગુંદર' કહે છે, કારણ કે તે કુદરતી સિમેન્ટની જેમ ઊંચા પર્વતો અને ઢાળવાળા ઢોળાવોને એકસાથે બાંધી રાખે છે. તે બે સ્તરોમાં હોય છે: સક્રિય સ્તર: ઉપરનું પાતળું સ્તર જે ઉનાળામાં પીગળે છે અને શિયાળામાં થીજી જાય છે. જયારે કાયમી સ્તર કે જે સક્રિય સ્તરની નીચે આવેલું જાડું સ્તર જે હંમેશાં થીજેલું જ રહે છે. સાઇબિરીયા, અલાસ્કા, કેનેડા અને ગ્રીનલેન્ડ ઉપરાંત હિમાલય જેવા ઊંચા પર્વતીય વિસ્તારોમાં પર્માફ્રોસ્ટ જોવા મળે છે.
પર્યાવરણ અને માનવજીવન માટે પર્માફ્રોસ્ટ શા માટે મહત્વપૂર્ણ છે?
પર્માફ્રોસ્ટ પૃથ્વી પર કાર્બનનો સૌથી મોટો કુદરતી ભંડાર છે. તેની અંદર હજારો વર્ષ જૂની વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો સચવાયેલા છે. જ્યારે પર્માફ્રોસ્ટ પીગળે છે, ત્યારે સુક્ષ્મસજીવો આ જૈવિક કચરાને તોડે છે, જેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા ગ્રીનહાઉસ વાયુઓ મુક્ત થાય છે અને ગ્લોબલ વોર્મિંગ વધે છે. આ ઉપરાંત, પર્વતોમાં તે જમીન અને ખડકોને જકડી રાખે છે. તેના પીગળવાથી ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધે છે, તેમજ અલાસ્કા અને કેનેડા જેવા પ્રદેશોમાં રસ્તાઓ અને પાઇપલાઇન્સને નુકસાન પહોંચે છે.
શું પર્માફ્રોસ્ટ જ નેપાળની તબાહી માટે જવાબદાર છે?
વિશ્વનો 'ત્રીજો ધ્રુવ' ગણાતો હિમાલય ગ્લોબલ વોર્મિંગના કારણે ઝડપથી ગરમ થઈ રહ્યો છે. તાપમાન વધવાથી સદીઓ જૂનો પર્માફ્રોસ્ટ પીગળી રહ્યો છે, જેનાથી ઘન ખડકોનું માળખું નબળું પડીને કાટમાળમાં ફેરવાઈ જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કીલોંગટાંગ લિરુંગ પર્વત ક્ષેત્રમાં પર્માફ્રોસ્ટ પીગળવાથી ખડકો અને ગ્લેશિયરના મોટા ભાગો તૂટી પડ્યા હતા. આ કાટમાળે નદીના પ્રવાહને રોકીને કામચલાઉ બંધ બનાવ્યો હતો, જે બાદમાં ફાટતા તળેટીના વિસ્તારોમાં અચાનક ભયાનક પૂર આવ્યું હતું. ભૂસ્તરશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે જો હિમાલયમાં પર્માફ્રોસ્ટ આ જ રીતે પીગળતો રહેશે તો ભવિષ્યમાં આવી હોનારતો વધુ સામાન્ય બની જશે.
આ પણ વાંચો : BRICS Economy: દુનિયાની અડધી વસ્તી અને 40% અર્થતંત્ર પર આ દેશોનું રાજ, જાણો સંપૂર્ણ ગણિત