દર વર્ષે વિશ્વ 1 જાન્યુઆરીએ નવા વર્ષનું સ્વાગત કરે છે. પરંતુ આ તારીખને હંમેશા વર્ષની શરૂઆત માનવામાં આવતી ન હતી. આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવતી રાજકીય, કેલેન્ડર સુધારા અને ધાર્મિક ચર્ચાઓનું પરિણામ છે. ચાલો જાણીએ કે આ પરંપરા ક્યારે શરૂ થઈ.

વર્ષો પહેલા માર્ચ આધારિત હતુ કેલેન્ડર

પ્રાચીન રોમમાં સૌથી પહેલા કેલેન્ડરમાં ફક્ત 10 મહિનાનો સમાવેશ થતો હતો, જેમાં વર્ષ 1 માર્ચથી શરૂ થતું હતું, જે વસંત ઋતુઓ, કૃષિ અને યુદ્ધ ઋતુઓ સાથે સંકળાયેલું હતું. માર્ચ-આધારિત કેલેન્ડર અનુસાર તહેવારો, લશ્કરી ઝુંબેશ અને નાગરિક ફરજો બધું જ ગોઠવવામાં આવ્યું હતું. લગભગ 700 ઈસવીસન પૂર્વ રોમન સમ્રાટ નુમા પોમ્પિલિયસે કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના ઉમેર્યા. ઘણા સમય પછી 153 ઈસવીસન પૂર્વ રોમન સેનેટે સત્તાવાર રીતે 1 જાન્યુઆરીના રોજ રાજકીય વર્ષની શરૂઆતની સ્થાપના કરી. જેથી નવા પસંદ કરાયેલા અધિકારીઓ પહેલા ચાર્જ સંભાળી શકે અને બાકીના લશ્કરી ઓપરેશન માટે તૈયારી કરી શકે.

જુલિયસ સીઝરે રજૂ કર્યુ જૂલિયન કેલેન્ડર

45 ઈસવીસન પૂર્વમાં, જુલિયસ સીઝરે જુલિયન કેલેન્ડર રજૂ કર્યું, જેનાથી કેલેન્ડર સૌર વર્ષ સાથે મેળ ખાતુ હતું. તેમણે સત્તાવાર રીતે 1 જાન્યુઆરીને વર્ષનો પહેલો દિવસ જાહેર કર્યો. આ રોમન દેવ જાનુસના માનમાં હતું. આ સુધારાએ લીપ વર્ષનો ખ્યાલ પણ રજૂ કર્યો, જેનાથી સમયની ગણતરી વધુ સચોટ બની. જ્યારે રોમન સામ્રાજ્યનું પતન થયું તે બાદ મધ્યકાલીન યુગના ખ્રિસ્તી સત્તાવાળાઓએ 1 જાન્યુઆરીને મૂર્તિપૂજક પરંપરા માની. બીજી બાજુ યુરોપના ઘણા પ્રદેશોએ 25 ડિસેમ્બર અથવા 25 માર્ચે નવું વર્ષ ઉજવવાનું શરૂ કર્યું.

1582માં 1 જાન્યુઆરીને જાહેર કરાઈ સત્તાવાર નવા વર્ષની શરૂઆત 

1582માં, પોપ ગ્રેગરી XIII એ જુલિયન પ્રણાલીમાં ભૂલો સુધારવા માટે ગ્રેગોરિયન કેલેન્ડર રજૂ કર્યું. આ સુધારાએ 1 જાન્યુઆરીને સત્તાવાર નવા વર્ષ તરીકે ફરીથી રજૂ કર્યું. કેથોલિક દેશોએ તેને તરત જ અપનાવ્યું, જ્યારે અન્ય દેશોએ ખૂબ પાછળથી અનુસર્યું. બ્રિટને 1752માં, રશિયાએ 1918માં અને ગ્રીસે 1923માં તેને અપનાવ્યું.

આજે વિશ્વભરમાં 1 જાન્યુઆરી મુખ્ય તારીખ છે, છતાં ઘણી સંસ્કૃતિઓ પરંપરાગત કેલેન્ડર અનુસાર નવું વર્ષ ઉજવે છે. ચીની લોકો ચંદ્ર ચક્ર અનુસાર નવું વર્ષ ઉજવે છે, હિન્દુ નવું વર્ષ ઘણીવાર ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે, અને ઇસ્લામિક નવું વર્ષ મોહરમથી શરૂ થાય છે.

આ પણ વાંચો: Secret SIP Formula: ઓછા પગારમાં કરોડપતિ બનવાની સિક્રેટ ફોર્મ્યુલા, 2026માં આ રીતે શરૂ કરો SIP!