જ્યારે આપણે 'દિલ્હી' નામ સાંભળીએ છીએ ત્યારે તરત જ ભારતની ઐતિહાસિક રાજધાનીનો ખ્યાલ આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે સાત સમુદ્ર પાર કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં પણ એક 'દિલ્હી' આવેલું છે? ભલે નામ એક હોય, પરંતુ આ શહેરની ઓળખ તેના વિશાળ તમાકુના ખેતરો અને તેના શાંત ગ્રામીણ જીવનને કારણે છે.
દિલ્હીનો શરૂઆત અને તેનો વિકાસ
આ શહેરનો ઇતિહાસ 1812ની આસપાસ શરૂ થાય છે, જ્યારે ફ્રેડરિક સોવરિન નામનો વ્યક્તિ અહીં આવીને વસ્યો હતો. શરૂઆતમાં આ વિસ્તારને તેના સ્થાપકના નામ પરથી 'સોવરિન કોર્નર્સ' અને બાદમાં 'ફ્રેડરિક્સબર્ગ' તરીકે ઓળખવામાં આવતો હતો. 1870ના દાયકામાં રેલવેના આગમન સાથે આ નાના ગામડાનું ચિત્ર બદલાયું અને તે વેપારી કેન્દ્ર તરીકે વિકસિત થયું.
તમાકુનું હૃદય
20મી સદીની શરૂઆતમાં દિલ્હીની કિસ્મત પલટાઈ. અહીંની જમીન તમાકુની ખેતી માટે અત્યંત સાનુકૂળ સાબિત થઈ. ધીમે-ધીમે અહીં મોટા પાયે તમાકુનું ઉત્પાદન થવા લાગ્યું અને ખેડૂતો આ ઉદ્યોગ પર નિર્ભર બન્યા. આ આખા પ્રદેશને 'તમાકુના હૃદય' તરીકે ઓળખવામાં આવવા લાગ્યો. અહીંનો તમાકુ હરાજી હોલ (Tobacco Auction Hall) આખા દેશમાં પ્રખ્યાત હતો, જ્યાં ખેડૂતો અને મોટા ખરીદદારોનો જમાવડો થતો હતો.
ભારત સાથે શું સંબંધ છે?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેનેડાના આ શહેરનું નામ દિલ્હી કેવી રીતે પડ્યું? હકીકતમાં, આ શહેરનો ભારતના દિલ્હી સાથે કોઈ સીધો ઐતિહાસિક સંબંધ નથી. 1850ના દાયકામાં જ્યારે અહીં પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી, ત્યારે તેને નવું નામ આપવાનું નક્કી થયું. તે સમયે બ્રિટિશ સામ્રાજ્યનો પ્રભાવ હતો અને વિશ્વના પ્રખ્યાત શહેરોના નામ પરથી નવા વિસ્તારોનું નામ રાખવાની પરંપરા હતી. ભારતીય દિલ્હીની લોકપ્રિયતાને કારણે ઓન્ટારિયોના આ વિસ્તારને 'દિલ્હી' નામ આપવામાં આવ્યું.
આજની ત્યાંની શું છે સ્થિતિ?
સમય બદલાતા તમાકુનો વપરાશ ઘટ્યો અને આ ઉદ્યોગમાં મંદી આવી. આજે કેનેડાનું આ દિલ્હી હવે તમાકુનું કેન્દ્ર રહ્યું નથી, પરંતુ તે એક શાંત અને સુંદર ગ્રામીણ સમુદાય બની ગયું છે. આજે પણ ત્યાંના મ્યુઝિયમ અને જૂની ઈમારતોમાં તેના સુવર્ણ ભૂતકાળની ઝલક જોવા મળે છે. કેનેડામાં માત્ર દિલ્હી જ નહીં, પણ લખનૌ અને લંડન જેવા નામો ધરાવતા શહેરો પણ તે સમયના વૈશ્વિક પ્રભાવની સાક્ષી પૂરે છે.
આ પણ વાંચોઃ GST Collection: ભારતની તિજોરી છલકાઇ!એપ્રિલમાં GST કલેક્શન અધધધધ કરોડની સર્વોચ્ય સપાટીએ..