'શિવાલિક' જહાજની વિશેષતા, તેની કામગીરી અને યુદ્ધ ક્ષેત્રમાં કાર્ય કરવાની પદ્ધતિ સૌ કોઇનું ધ્યાન ખેંચે છે.
'શિવાલિક' જહાજ કેમ છે મહત્ત્વનું ?
દેશના કેટલાયે શહેરમાં એલપીજી ગેસની મોટી માત્રામાં અછત વર્તાઇ રહી છે. ત્યારે આ વિકટ સમયમાં 'શિવાલિક' જહાજ એલપીજી ગેસનો જથ્થો લઇને ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યુ છે. 'શિવાલિક' જહાજમાં 54 હજાર ટન એલપીજી ગેસ ભરાયુ છે. આ જથ્થાના કારણે ભારતમાં એલપીજી સંકટમાં થોડી રાહત મળી હોવાનું સામે આવ્યુ છે. ખાડી ક્ષેત્રમાં ઇરાન અને ઇઝરાયલ તથા અમેરિકાની વચ્ચે ચાલે રહેલા યુદ્ધના કારણે વિશ્વમાં અરાજકતા ફેલાઇ છે.
હોર્મુઝ સ્ટ્રેટ વધુ પ્રભાવિત
આ યુદ્ધમાં સમુદ્રી માર્ગો વધુ પ્રભાવિત થયા છે. જેના કારણે મોટાભાગના દેશોમાં ગેસ અને તેલની સપ્લાઇમાં અવરોધ ઉભો થયો છે. આ જ કારણે ભારતના અનેક શહેરોમાં ગેસની અછત થતા હોટલ, રેસ્ટોરન્ટ અને ઘરમાં ગેસ સિલેન્ડરની અછત જોવા મળી છે. અમેરિકા અને ઇઝરાયલ સામે ઇરાનના જડબાતોડ હુમલાઓએ હોર્મુઝ સ્ટ્રેટને વધુ પ્રભાવિત કર્યો છે. જેના કારણે ઉર્જા જથ્થા પર વધુ અસર દેખાઇ છે.
સુરક્ષિત બહાર નિકળ્યા જહાજ
ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરના પ્રયાસથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી તિરંગા લગાવેલા બે એલપીજી જહાજ 'શિવાલિક' અને 'નંદા દેવી' 92,712 ટન લિક્વીડીફાઇડ પેટ્રોલિયમ ગેસ લઇને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે બહાર નિકળ્યા છે. 'શિવાલિક' જહાજ 16 માર્ચે મુંદ્રા પોર્ટ પહોંચ્યુ છે. તો જહાજ 'નંદા દેવી' 17 માર્ચના રોજ ભારત પહોંચશે. 'શિવાલિક' જહાજ આશરે 54 હજાર ટન LPG ગેસ લઈ જઈ રહ્યું છે.
LPG ટેન્કરની ગતિ કેટલી ?
જહાજ ગેસ લોડ કર્યા પછી 7 માર્ચે સ્થાનિક સમય અનુસાર બપોરે 2:53 વાગ્યે કતારના રાસ લફાન બંદરથી રવાના થયું હતું. તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનું હતું. ઈરાને આ માર્ગ પર પ્રતિબંધો લાદ્યા હતા અને પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની હતી. જેના કારણે આ જહાજ ફસાયું હતું. શુક્રવાર રાત અને શનિવાર સવારની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને આજે ભારતમાં પહોંચ્યું હતું. 'શિવાલિક' જે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની માલિકીનું છે. તે એક LPG ટેન્કર છે. તેની કુલ લંબાઈ (LOA) 225.28 મીટર અને પહોળાઈ 36.6 મીટર છે. તેની ગતિ 8.1 નોટ્સ અથવા 15 કિલોમીટર પ્રતિ કલાક છે.
ભારતીય જહાજો અને ખલાસીઓ સુરક્ષિત
સરકારે જણાવ્યું હતું કે, આ વિવાદિત દરિયાઈ ક્ષેત્રમાં કાર્યરત ભારતીય જહાજો અને ખલાસીઓ સંપૂર્ણપણે સલામત છે અને દરિયાઈ કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. પશ્ચિમ પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં 22 ભારતીય ધ્વજવાળા જહાજો કાર્યરત છે. જેમાં 611 ખલાસીઓ છે. બધા સુરક્ષિત છે. ભારત તેના લગભગ 88 ટકા ક્રૂડ ઓઈલ, 50 ટકા કુદરતી ગેસ અને 60 ટકા LPG જરૂરિયાતો આયાત દ્વારા પૂર્ણ કરે છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન સાથે યુદ્ધ શરૂ થયું તે પહેલાં, ભારત તેના અડધાથી વધુ ક્રૂડ ઓઈલ, લગભગ 30 ટકા ગેસ અને 85-90 ટકા LPG સાઉદી અરેબિયા અને UAE જેવા પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી આયાત કરતું હતું.
આ પણ વાંચોઃ દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગની ઘટનાથી દિલ્હી આવનાર ફ્લાઇટમાં મોડું, યાત્રીઓ ફસાયા
