કલ્પના કરો કે દિવસ દરમિયાન અચાનક ચારે તરફ અંધારું છવાઈ જાય, આખું આકાશ શાંત થઈ જાય અને તાપમાન પણ અચાનક ઘટી જાય. હા, અમે વાત કરી રહ્યા છીએ એ સમયની જ્યારે પૃથ્વી સુધી સૂર્યના કિરણો પહોંચતા નથી એટલે કે સૂર્યગ્રહણની. 7 દિવસ પછી દુનિયાના અલગ-અલગ ભાગોમાં આવું જ કંઈક જોવા મળશે. 12 ઓગસ્ટ 2026, બુધવારના રોજ વર્ષનું બીજું અને સૌથી મોટું સૂર્યગ્રહણ થવાનું છે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, એટલે કે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે અને દિવસે રાત જેવું દૃશ્ય જોવા મળશે. 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીએ થયું હતું. આ વલયાકાર સૂર્યગ્રહણ હતું, જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી અને સૂર્ય ચમકતી વીંટી જેવો દેખાય છે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાયું નહોતું.
સ્પેનમાં 119 વર્ષ પછી જોવા મળશે સંપૂર્ણ સૂર્યગ્રહણ
જો સંપૂર્ણ સૂર્યગ્રહણની વાત કરીએ તો માનવામાં આવે છે કે આ બીજી વખત હશે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે. આ પહેલાં લગભગ 30 વર્ષ પહેલાં એટલે કે 11 ઓગસ્ટ 1999ના રોજ યુરોપમાં આવું જોવા મળ્યું હતું. જોકે, સ્પેન માટે આ એક ઐતિહાસિક ઘટના છે, કારણ કે છેલ્લી વખત સ્પેનમાં આવું દૃશ્ય 1905માં જોવા મળ્યું હતું.
ક્યાં-ક્યાં જોવા મળશે આ અનોખું દૃશ્ય?
સૌથી પહેલા જણાવી દઈએ કે આ સંપૂર્ણ સૂર્યગ્રહણ મુખ્યત્વે આર્કટિક મહાસાગર, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, એટલાન્ટિક મહાસાગર, પોર્ટુગલ અને ઉત્તર સ્પેનમાંથી પસાર થશે. બ્રિટન અને આયર્લેન્ડમાં લોકોને સૂર્ય લગભગ 90 થી 96% સુધી ઢંકાયેલો જોવા મળશે. આ ઉપરાંત ફ્રાન્સ, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલીના ઉત્તરી ભાગોમાં પણ લગભગ 88 થી 95% સૂર્ય ઢંકાયેલો જોવા મળશે. ખાસ વાત એ છે કે ઉત્તર અમેરિકાના કોઈપણ ભાગમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે નહીં, પરંતુ અમેરિકા અને કેનેડાના કેટલાક વિસ્તારોમાં આંશિક ગ્રહણ જરૂર જોવા મળશે. ભારતમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ બિલકુલ દેખાશે નહીં.
ક્યારે શરૂ થશે અને કેટલો સમય રહેશે ગ્રહણ?
આ માહિતી બાદ સૌથી પહેલો સવાલ એ થાય છે કે આ સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 12 ઓગસ્ટની રાત્રે લગભગ 11:17 વાગ્યે શરૂ થઈને બીજા દિવસે એટલે કે 13 ઓગસ્ટની સવારે લગભગ 4:25 વાગ્યા સુધી ચાલશે. જે વિસ્તારોમાં સંપૂર્ણ ગ્રહણ જોવા મળશે, ત્યાં સૌથી વધુ અંધારું માત્ર 2 મિનિટ 18 સેકન્ડ સુધી રહેશે. જોકે, ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં.
આ પણ વાંચો-રીમઝીમ વરસાદમાં લાગ્યો બોલીવુડનો તડકો! રવીના ટંડનથી માધુરી સુધી, 5 હસીનાઓએ અમર બનાવી દીધા રેન સોંગ્સ!