આમ તો આપણે બેન્ક શબ્દ બોલીએ કે વિચારીએ એટલે આપણી આંખો સામે જે દ્રશ્ય ખડું થાય એમાં યુવાનો અને વડીલો દેખાય પરંતુ હવે થોડા સમયમાં તમને બેંકમાં નાના નાના ટાબરિયાઓ આંટા મારતા દેખાય તો નવાઇ ના અનુભવતા કેમકે ભારતીય રિઝર્વ બેંક એટલેકે RBIએ બાળકો માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે બાળકોને નાણાકીય જવાબદારી અને બેંકિંગના મૂળભૂત જ્ઞાનને સમજવા તરફ એક નવી દિશા પૂરી પાડશે.
બાળકો બેંકિંગ સેવા સમજતા થશે
વિગતે વાત કરીએ તો RBIના આ નવા નિયમ મુજબ હવે 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો પોતાના વાલી વિના પણ પોતાનું બેંક એકાઉન્ટ ઓપન કરી શકશે અને ઓપરેટ પણ કરી શકશે.બાળકો હવે બેંક એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ જેવા નાણાકીય શબ્દો સમજતા થશે. RBI ના આ નિર્ણયથી બાળકો નાની ઉમરથી બેન્ક સાથે મજબૂતાઈ થી જોડાશે અને નાનપણથી જ પૈસાનું મેનેજમેન્ટ અને ખર્ચ કરવાની સમજ કેળવી શકશે.
કઈ ઉંમરે બાળક બેંક એકાઉન્ટ ખોલાવી શકશે?
તો RBI તરફથી મળતી માહિતી મુજબ પહેલા પુખ્ત વયના લોકોએ બાળકો માટે બેંક એકાઉન્ટ ખોલાવવું જરૂરી હતું, પરંતુ હવે RBI 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને તેમના માતા-પિતા અથવા ગાર્ડિયનની મદદ વિના પોતાનું બેંક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપશે. આ માટે, દરેક બેંક તેના નિયમો અનુસાર બાળકો માટે એકાઉન્ટ ખોલશે અને તમામ વ્યવહારો પર નજર રાખશે, જેથી છેતરપિંડી ટાળી શકાય.
RBIનો આ નવો નિયમ ક્યારે લાગુ થશે?
તો RBI તરફથી મળતી માહિતી મુજબ આ નવો નિયમ 1 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેંકોએ તેમના નિયમો અને નીતિઓમાં ફેરફાર કરવો પડશે અને નક્કી કરવું પડશે કે બાળકોનું એકાઉન્ટ કેવી રીતે ખોલવામાં આવશે, તેનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે અને તેને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવશે.
બાળકો માટે RBI એ આવો નિર્ણય કેમ લીધો?
તો RBIના આ નવા નિર્ણયથી બાળકો હવે નાની ઉંમરથી જ પૈસા અને બેંકિંગ વિશે શીખી શકશે અને જ્યારે બાળકો પોતાના એકાઉન્ટનું સંચાલન જાતે કરી શકશે, ત્યારે તેઓ બચત કરવાનું, પૈસાનું યોગ્ય મેનેજમેન્ટ કરવાનું અને પૈસા નું મહત્વ સમજીને ખર્ચ કરવાનું શીખશે. આનાથી બાળકોમાં નાણાકીય સમજણ એટલે કે પૈસા અંગેની સમજણ વધશે. તેઓ પૈસા કેવી રીતે કમાવવા, કેવી રીતે બચાવવા અને કેવી રીતેવાપરવા તે સમજી શકશે . RBIનો આ નિર્ણય બાળકોને બેંકો સાથે જોડવાની સાથે સાથે તેમને આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક પણ બનાવશે
શું 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો એકાઉન્ટ ખોલી શકશે?
તો RBIના આ નવા નિર્ણય મુજબ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બેંક એકાઉન્ટ ખોલી શકાય છે પરંતુ એકાઉન્ટ તેમના માતા-પિતા અથવા ગાર્ડિયન દ્વારા ચલાવવામાં આવશે. એનો અર્થ એ કે બાળક પોતે તે ખાતું ઓપરેટ કરી શકતું નથી. RBI એ સ્પષ્ટપણે કહ્યું છે કે- આવા બાળકોના ખાતામાં ઓવરડ્રાફ્ટની મંજૂરી આપવામાં આવશે નહીં.
બાળકો તેમના બેંક એકાઉન્ટમાંથી કેટલા પૈસા ઉપાડી શકે?
બાળકોને ATM કાર્ડ, ચેક બુક, ઇન્ટરનેટ બેંકિંગ વગેરે સુવિધાઓ આપવી કે નહીં તે બેંક નક્કી કરશે. આનો અર્થ એ થયો કે દરેક બેંક પોતે નક્કી કરશે કે બાળકોને કેટલી રકમના ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપવી જોઈએ. ટૂંકમાં RBIનો ઉદ્દેશ્ય બાળકોને નાનપણથી જ પૈસા કેવી રીતે બચાવવા, ક્યાં ખર્ચ કરવા અને જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવવાનો છે.