અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનું કામ શરૂ કર્યુ છે. જેને લઇને દરેક સ્થળે હલચલ જોવા મળી રહી છે. ભારતીયોમા ડિપોર્ટ માટે c17 ગ્લોબમાસ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતે આ ખાસ વિમાનનો ઉપયોગ અનેક વખત કર્યો છે. વર્ષ 2023માં આ વિમાનનો ઉપયોગ કરીને સુદાનમાંથી 192 લોકોને બચાવવામાં આવ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પણ, આ વિમાને ભારતીયોની સલામત વાપસી સુનિશ્ચિત કરી હતી.


ભારત પાસે કેટલા c17 ગ્લોબમાસ્ટર ?

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને મોટી સંખ્યામાં દેશનિકાલ કરવાના છે. આમાં, 104 NRIs ની પહેલી બેચ ભારતમાં આવી ચૂકી છે. અમેરિકાએ ભારતીયોને દેશનિકાલ કરવા માટે સામાન્ય વિમાનોને બદલે યુએસ એરફોર્સના 'C-17 ગ્લોબમાસ્ટર' વિમાનનો ઉપયોગ કર્યો છે. 'C-17 ગ્લોબમાસ્ટર' એક વિશાળ પરિવહન વિમાન છે, જેનો ઉપયોગ યુદ્ધ દરમિયાન ભારે શસ્ત્રો પહોંચાડવા માટે થાય છે. આ વિમાન એટલું મોટું છે કે તે 12 હાથીઓ જેટલું વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. આનો અર્થ એ થયો કે આ વિમાનમાં લશ્કરી વાહનો, ટેન્ક અને અન્ય ભારે શસ્ત્રો લોડ કરી શકાય છે.

C-17 ગ્લોબમાસ્ટરની ખાસ વાત

C-17 ગ્લોબમાસ્ટરને ખાસ બનાવતી બીજી એક બાબત તેની ઇંધણ ટાંકી છે. આ વિમાન કોઈપણ પેલોડ વિના એક જ વારમાં 11 હજાર 537 કિલોમીટર ઉડી શકે છે. આ મહાકાય વિમાન ટૂંકા રનવે પર પણ ઉડાન ભરી શકે છે. આ વિમાન એટલું ખાસ છે કે વિશ્વના ફક્ત 8 દેશો જ તેનો ઉપયોગ કરે છે. આમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અમેરિકા પાસે સૌથી વધુ 223 C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ છે. તે જ સમયે, ભારત પાસે 11 C-17 ગ્લોબમાસ્ટર્સ છે. જેનો ઉપયોગ વાયુસેના દ્વારા કરવામાં આવે છે. અમેરિકા અને ભારત ઉપરાંત, C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતની સેનાઓ પાસે પણ છે. હાલમાં વિશ્વમાં 275 C-17 ગ્લોબમાસ્ટર્સ છે. સૌથી મોટી વાત આ વિમાનની કિંમત છે. જો આ વિમાન એક વાર ઉડે તો તેનો ખર્ચ પ્રતિ કલાક લગભગ 25 લાખ રૂપિયા થાય છે. જો આ વિમાન પાંચ કલાક ઉડે છે. તો મુસાફરીમાં અંદાજે 1 કરોડ 25 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. 

  • Follow us on: