Kumble scored a 'Perfect 10' against Pakistan in Feroz Shah Kotla
  • Home
  • Sports
  • Cricket
  • જમ્બોની કમાલ: કુંબલેએ ફિરોઝ શાહ કોટલામાં પાકિસ્તાન સામે ‘પરફેક્ટ 10’ની સિદ્ધિ મેળવી હતી

જમ્બોની કમાલ: કુંબલેએ ફિરોઝ શાહ કોટલામાં પાકિસ્તાન સામે ‘પરફેક્ટ 10’ની સિદ્ધિ મેળવી હતી

 | 11:22 pm IST
  • Share

  • ફ્લેશ બેક: કુંબલેને તમામ 10 વિકેટ મળે તે માટે જવાગલ શ્રીનાથે સતત ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યા હતા 

  • છેલ્લા 22 વર્ષથી કોઈ પણ બોલર કુંબલેની સિદ્ધિ સુધી પહોંચી શક્યો નહોતો

સાતમી ફેબ્રુઆરી, 1999નો દિવસ ભારતીય ક્રિકેટમાં ઐતિહાસિક બની ગયો હતો. આ દિવસે ભારતના દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેએ ટેસ્ટ મેચની એક જ ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપનાર વિશ્વમાં બીજો સ્પિનર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જમ્બોના નામે લોકપ્રિય બનેલા કુંબલેએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે પાકિસ્તાનનો એકલા હાથે સફાયો કરી નાખ્યો હતો અને તેની આ સિદ્ધિને રમતપ્રેમીઓ હજુ સુધી ભૂલ્યા નથી.

છેલ્લા 22 વર્ષથી કોઈ પણ બોલર કુંબલેની સિદ્ધિ સુધી પહોંચી શક્યો નહોતો. ભારત સામે રમાતી મુંબઇ ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે એક જ દાવમાં 10 વિકેટ ઝડપીને કુંબલેના રેકોર્ડને સરભર કર્યો હતો. કુંબલે પહેલાં ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકરે 1956માં ઓસ્ટ્રેલિયા સામે એક જ દાવમાં તમામ 10 વિકેટ (બોલિંગ ફિગર: 51.2-23-53-10) ઝડપવાની સિદ્ધિ મેળવી હતી.

કુંબલેએ પાકિસ્તાની ટીમની આશા ઉપર પાણી ફેરવ્યું હતું

ફિરોઝ શાહ કોટલા ખાતે ભારતે પ્રથમ દાવમાં 252 રન નોંધાવ્યા બાદ પાકિસ્તાનને 172માં ઓલઆઉટ કરી નાખ્યું હતું. ત્યારબાદ સુકાની અઝહરુદ્દીને શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર સદાગોપન રમેશે 96 રન બનાવ્યા હતા. ભારતે 339 રન બનાવીને પાકિસ્તાનને 420 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમ આ ટેસ્ટ ડ્રો કરવા માટે રમી રહી હતી પરંતુ કુંબલેએ પ્રવાસી ટીમની આશા ઉપર પાણી ફેરવી નાખ્યું હતું અને ભારતનો 212 રનથી વિજય થયો હતો. કુંબલે નવ વિકેટ ઝડપી ચૂક્યો હતો અને બીજા છેડે શ્રીનાથેને ઓફ સ્ટમ્પની બહાર બોલ ફેંકવાની અઝહરે સૂચના આપી હતી. મેચમાં કુલ 14 વિકેટ હાંસલ કરીને કુંબલેએ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.

કુંબલેની ‘પરફેક્ટ 10’ વિકેટ

  • 1/101: શાહિદ આફ્રિદી (41), કેચ નયન મોંગિયા
  • 2/101: ઇજાઝ એહમદ (0), એલબીડબ્લ્યૂ આઉટ
  • 3/115: ઇન્ઝમામ ઉલ હક (6), ક્લિન બોલ્ડ
  • 4/115: મોહમ્મદ યુસુફ (0), એલબીડબ્લ્યૂ આઉટ
  • 5/127: મોઇન ખાન (3) , કેચ સૌરવ ગાંગુલી
  • 6/128: સઇદ અનવર (69), કેચ વીવીએસ લક્ષ્મણ
  • 7/186: સલીમ મલિક (15), ક્લીન બોલ્ડ
  • 8/198: મુશ્તાક એહમદ (1), કેચ રાહુલ દ્રવિડ
  • 9/198: સકલૈન મુશ્તાક (0), એલબીડબ્લ્યૂ આઉટ
  • 10/207: વસીમ અકરમ (37), કેચ વીવીએસ લક્ષ્મણ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો