ancient dharma of Shakti Swarupa Bahuchar mother in Vadodara
  • Home
  • Featured
  • VIDEO: દર્શન કરો વડોદરાના બહુચર માતાના મંદિરના, ગાયકવાડ રાજાએ કર્યો’તો જીર્ણોદ્ધાર

VIDEO: દર્શન કરો વડોદરાના બહુચર માતાના મંદિરના, ગાયકવાડ રાજાએ કર્યો’તો જીર્ણોદ્ધાર

 | 8:09 am IST

આજે રવિવારે આપને દર્શન કરાવીશુ શક્તિ સ્વરુપા બહુચર માતાના એક પ્રાચીન ધામના. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગાયકવાડ રાજાશાહી સમયનું આ છે બહુચર માતાનું પવિત્ર ધામ. કહેવાય છે કે પહેલાના સમયમાં અહિં નાનકડી ડેરી હતી પરંતુ વર્ષ 1820માં ગાયકવાડ રાજાએ આ સ્થાનકનો જીર્ણોદ્ધાર કરાવી મોટુ મંદિર બંધાવ્યુ. આ માઈ મંદિરમાં આધ્યપૂજારી હતા તપોધન કામેશ્વર. જે તે સમયમાં માતાની સેવા પૂજા કરતા. તેમના જ વંશજોએ આજે પણ માઈ પૂજાની પરંપરા યથાવત રાખી છે.

સંસ્કારી નગરની વડોદરાના કારેલીબાગમાં આજે પણ રાજાશાહી વખતની છાંટ જોવા મળે છે. હાલ પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે. અહિં ગર્ભગૃહમાં બાલા બહુચરની ચાંદીની અતિસુંદર પ્રતિમા સ્થાપિત છે. કહેવાય છે કે આ ધામમાં નિત્ય માતાના ત્રણ સ્વરુપોની ઝાંખી ભક્તો કરતા હોય છે. સવારે બાળ સ્વરુપે, બપોરે યુવા સ્વરુપે તથા સાંજે પ્રૌઢાસ્વરુપે.

આ ધામ વિશે લોકમુખે રમતી કથા અનુસાર આજથી 256 વર્ષ પહેલા પરિસરના માનસરોવરમાં માતાજીનું પ્રાગટ્ય થયુ હતુ. શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર મા બહુચર કુકડા પર સવારી કરે છે. આ મંદિરમાં પણ એક અનોખી પરંપરા જોવા મળે છે. જે પણ ભક્તની કામના મા સાકાર થાય તેઓ કુકડા છોડી માનતા પુરી કરે છે. માતાના પરચાથી સમગ્ર મંદિર પરિસરમાં કુકડાની બાંગ નિત્ય સાંભળવા મળે છે. મંદિર પરિસરમાં પ્રવેશતા જ જમણી સૂંઢવાળા વિનાયકના દર્શન સૌ ભક્તો કરે છે.

વડોદરાના આ માઈ મંદિરમાં નિત્ય 5 વખત સંગીતના તાલે દિવ્ય આરતી થાય છે, જેમાં મંગળા આરતી, રાજભોગ આરતી, સંધ્યાપૂજા, શ્રીફળ અને સાંય આરતી કરવામાં આવે છે. જેમાં અબાલવૃદ્ધ સૌ આસ્થાભેર જોડાય છે. સંગીતમય આરતીમાં ભક્તો માની હાજરી પણ અનુભવે છે. આ ઘડીઓ જાણે તેમના જીવનની શ્રેષ્ઠ ઘડીઓ બની જાય છે. ગાયકવાડ રાજાશાહી સમયના આ ધામમાં વર્ષ દરમિયાન વિવિધ પર્વો ઉજવાય છે. જેમાં આસો સુદ આઠમ તથા મહા સુદ બીજના પાટોત્સવના દિવસે પૂજામાં રાજાનો પરિવાર આજે પણ શ્રદ્ધાભેર સંમેલિત થાય છે.

આસો નોરતાની સાતમે થતા ભંડારામાં રાજા પોતે અહિં ભાગ લે છે અને માતાન દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો ચૈત્રી નવરાત્રીમાં, પાટોત્સવમાં ભવ્ય મેળો ભરાય છે તો સાથે જ બહુચર માતાના ચરણોમાં અમાસે દર્શનનો વિશેષ મહિમા છે. અમાસના દિવસો તો લાડુનો ગોખ ભરવાની પણ પરંપરા અહિં જોવા મળે છે. રાજાશાહીના સમયમાં તો અહિં નિત્ય પ્રખર પંડિતો તરફથી માતાની ઉપાસના અર્થે ખાસ યજ્ઞવેદીમાં દિવ્ય યજ્ઞ કરાતો. જેમાં દિવસની પાલીમાં અનેક બ્રાહ્મણો માતાના શ્લોકનું પઠન કરતા અને શાસ્ત્રોક્ત રીતે યજ્ઞ કરાવતા.. આજે પણ એ યજ્ઞવેદીઓ અહિં જોવા મળે છે.

માતાજીના આ સ્થાનકમાં શક્તિના અન્ય સ્વરુપો પણ સ્થાપિત છે. મુખ્ય મંદિરની પાછળ હરસિદ્ધ માતાનું અને સંતોષી માતાની સુદંર પ્રતિમાઓ સ્થાપિત છે. જ્યાં શક્તિનો વાસ હોય ત્યાં મહાદેવ પણ હોય જ. તેથી જ તો બહુચર માતાની બાજુમાં ભોળાનાથની પણ સ્થાપના થશે જેનો હાલ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. તો સાથે જ બટુક ભૈરવ, મહાકાળી માતા બાળ સ્વરુપે દર્શન આપે છે. જે આ ધામની વિશેષતા કહી શકાય. તો આમ સંસ્કારી નગરીનું રાજાશાહી સમયનું બહુચર માતાનું આ મંદિર જ્યાં માતાના વાહન સાક્ષાત માના પરચા પુરે છે. તો સાથે પૌરાણિક વારસો સાચવતુ આ મંદિર ભક્તોના મનમાં આજે પણ આસ્થાની જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન