• હનુમાન ભક્તો આ મંદિરથી મુલાકાતથી બની જશો ભક્તિમય
  • લોકો દૂર-દૂરથી તેમના દર્શનનો લે છે લ્હાવો
  • મંદિરોમા મંગળવાર અને શનિવારે ભક્તોનો ઉમટે છે ઘોડાપૂર

અયોધ્યામાં શ્રી રામ ભક્ત હનુમાનજીનું હનુમાનગઢી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અયોધ્યા જતા લોકો ચોક્કસપણે આ મંદિરની મુલાકાત લેતા હોય છે. એ જ રીતે દિલ્હીમાં પણ હનુમાનજીના ત્રણ ખૂબ જ પ્રખ્યાત મંદિરો આવેલ છે. આ હનુમાન મંદિરો એટલા પૂજનીય છે કે લોકો દૂર-દૂરથી તેમના દર્શન કરવા માટે આ સ્થળે આવતા હોય છે. મંગળવાર અને શનિવારે અહીં ભક્તોની સારી એવી ભીડ જોવા મળતી હોય છે.

રામજીના સૌથી પ્રિય ભક્ત હનુમાનજી 

હનુમાનજી શ્રી રામજીના સૌથી પ્રિય ભક્તોમાંના એક છે. હનુમાનજીને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતાઓ અનુસાર તેનું નામ લેવાથી જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને કોઈનો ડર રહેતો નથી. એવું પણ કહેવાય છે કે શ્રી રામની કૃપા મેળવવા માટે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવું જરૂરી છે. દિલ્હીના ત્રણ હનુમાન મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે પણ હનુમાનજીના ભક્ત છો, તો તમારે દિલ્હીના આ પ્રખ્યાત હનુમાન મંદિરોની મુલાકાત લેવી જોઈએ.

દિલ્હીના પ્રખ્યાત 3 હનુમાન મંદિર

પ્રાચીન હનુમાન મંદિર


આ પ્રખ્યાત મંદિર દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થાપિત છે. મંગળવાર અને શનિવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધમાં વિજય મેળવવા માટે પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હતી અને મંદિરનું વધુ બાંધકામ મહારાજા માનસિંહ પહેલા દ્વારા કરવામાં આવ્યું હતું. કનોટ પ્લેસમાં પ્રાચીન હનુમાન મંદિર હોવાને કારણે અહીં ભક્તોની સાથે ઘણા પ્રવાસીઓ પણ આવતા હોય છે.

મરઘટ વાળા હનુમાનજી


દિલ્હીના કાશ્મીરી ગેટમાં સ્થાપિત મરઘટના હનુમાનજી પણ ખૂબ જ પૂજનીય છે. આ મંદિરમાં બજરંગ બલીની મૂર્તિ જમીનથી લગભગ 7 થી 8 ફૂટ નીચે છે. ઘણા સમય પહેલા આ મંદિર યમુના નદીના કિનારે હતું. પરંતુ યમુના નદીનું જળસ્તર ઘટતા આ મંદિર નદીથી દૂર થઈ ગયું. પરંતુ જ્યારે પણ યમુના નદીના પાણીનું સ્તર વધી રસ્તાઓ પર પાણી આવે છે, ત્યારે પાણીનું સ્તર મંદિર સુધી પહોંચી જાય છે. અહીં દર અઠવાડિયે મંગળવાર અને શનિવારે ભક્તો દર્શન કરવા આવે છે.

કરોલ બાગનું હનુમાન મંદિર


આ મંદિર ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા માટે જાણીતું છે. જે અંદાજે 108 ફૂટ ઉંચી છે. મંદિરમાં અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ મંદિર દિલ્હીના ઝંડેવાલન મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલ છે. તમે અહીં મેટ્રો દ્વારા સરળતાથી જઈ શકો છો. હનુમાનજીની આ પ્રતિમામા તેમની છાતી ફાડીને ભગવાન રામ, દેવી સીતા અને લક્ષ્મણના દર્શન કરતા દર્શાવવામાં આવ્યા છે. આ પ્રતિમા ખૂબ દૂરથી દેખાઈ આવે છે.


  • Follow us on: