તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દરેક ઘરમાં શું બનાવીશુ તેની યાદી તૈયાર થઇ રહી છે. આજે અને તમને ખુબજ સરળતાથી ઘરમાં ફટાફટ તૈયાર થઇ જતી ક્રિસ્પી નાના મોટા સૌને ભાવતી ચકરીની રેસીપી શિખવીશુ. આ ચકરી લાંબા સમય સુધી રાખી શકાય છે જલ્દી બગડતી નથી આથી તમે તેને વધારે પ્રમાણમાં બનાવી નાસ્તા માટે તૈયાર રાખી શકો છો.


ક્રિસ્પી ચકરી બનાવવા જોશે સામગ્રી:

1 કપ ઘઉંનો લોટ

1 ટેબલસ્પૂન આદું-લીલા મરચાંની પેસ્ટ

1 ટેબલસ્પૂન તેલ

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

1-ટીસ્પૂન હળદર

3 કપ દહીં (અથવા જરૂરત પ્રમાણે)

તળવા માટે તેલ

તલ, અજમા, આખુ જીરૂ

મીઠું, સ્વાદ અનુસાર

ચકરી બનાવવાની પદ્ધતિ

ઘઉંના લોટને ચાળીને એક પાતળા કપડામાં પોટલી બાંધી તેને ચાળણીમાં બાફવા મુકો. લોટ બફાઇ જાય પછી ઠંડુ થવા દો. લોટને દસ્તાથી ખાંડીને ફરી એટવાર ચાળીલો જેથી કોઇ ગઠ્ઠા ન રહે લોટમાં આદું-લીલા મરચાની પેસ્ટ, તલ, લાલ મરચું પાઉડર, હળદર, દહીં, તેલ અને મીઠું નાંખો.બરાબર મિક્સ કરો.

સેવ બનાવવાના મશીન/સંચાથી ચકરી તૈયાર કરી લો. એક કડાઈમાં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ છે કે નહીં તે ચેક કરવા માટે ગરમ તેલમાં થોડો લોટ નાંખો. જો લોટ રંગ બદલ્યા વગર તરત જ ઉપર આવી જાય તો તેલ તૈયાર છે. જો તે ભૂરા રંગનો થઈ જાય તો તેલ વધારે ગરમ છે. જો તે તરત ઉપર ન આવે તો તેલ બરાબર ગરમ નથી. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે 4-5 ચકરી નાંખો અને તેને ક્રિસ્પી અને સોનેરી ભૂરી થાય ત્યાં સુધી તળી લો. તેને તળતી વખતે જરૂર પ્રમાણે ૨-૩ વાર પલટાવો જેથી સારી રીતે સોનેરી થઈ જાય. તેને એક પ્લેટમાં પેપર નેપકીનની ઉપર કાઢી લો.

આ નાસ્તો તમે મીઠાઇ સાથે મહેમાનોને પીરસી શકો છો ખાનારા આંગળા ચાટતા રહી જશે.


  • Follow us on: