આજે આપણે ઘણા લોકોમાં સાંધાની સમસ્યાની અને વારંવાર પગના તળિયાની સમસ્યાથી હેરાન થતા જોઈએ છીએ. શરીરમાં જોવા મળતા આ દુઃખાવાનું કારણ યુરિક એસિડ હોઈ શકે છે. શરીરમાં યુરિક એસિડ વધવાના કારણે પેશાબમાં બળતરા, ગઠિયા અને સાધાંને લગતી સ્વાસ્થ્ય સમસ્યા ઉદભવે છે. શરીરમાં સામાન્ય લાગતી સમસ્યાનો અનેક વખત ઉપચાર કરવામાં આવવા છતાં ફરી પાછી જોવા મળે છે. શરીરમાં થતા આ દુઃખાવાને દૂર કરવા પહેલા તમારે યુરિક એસિડ થવાનું મૂળ કારણ જાણવું જરૂરી છે.
યુરિક એસિડ વધવાના કારણો
શરીરમાં યુરિક એસિડ વધવા ઘણા કારણો હોઈ શકે છે. મુખ્ય કારણોમાં વ્યસન, બદલાતી જીવનશૈલી અને ઓછી માત્રામાં પાણી પીવાને માનવામાં આવે છે. જે લોકો વધુ પડતું દારૂનું સેવન કરે છે તેમજ લાલ માંસનું વધુ પડતું સેવન કરે છે તેમનમાં અવશ્ય લાંબા ગાળે યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે.શાકાહારી લોકોમાં પણ આ સમસ્યા જોવા મળવાનું કારણ પાણીની અછત એટલે જે લોકો ઓછું પાણી પીતા હોય તેમનામાં આ સમસ્યા થાય છે. આ ઉપરાંત પાલક, મસૂર અને કાબુલી ચણા તેમજ રાજમાં જેવા પ્રોટીન યુક્ત ખાદ્યપદાર્થનું વધુ પડતું સેવન પણ યુરિક એસિડનું સ્તર વધારે છે.
યુરિક એસિડ નિયંત્રણ માટે ટિપ્સ:
શરીરમાં વારંવાર જોવા મળતા સામાન્ય દુઃખાવા તમારી કામગીરીમાં અવરોધરૂપ બને છે. માટે યુરિક એસિડની સમસ્યાને દૂર કરવા દવાની સાથે તમારી દિનચર્યામાં પણ બદલાવ લાવવો જરૂરી છે. માંસનું સેવન મર્યાદિત કરો, દારૂનું વ્યસન ફક્ત યુરિક એસિડ જ નહીં કેન્સર જેવી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. માટે દારુનું વ્યસન સંપૂર્ણપણે બંધ કરવું જોએ. યુરિક એસિડનું સ્તર વધારનારા તમામ ખાદ્યપદાર્થોનું સીમિત માત્રામાં સેવન કરો.
પોષણયુક્ત આહારનો કરો સમાવેશ
આહારમાં વિટામિન સીથી ભરપૂર પોષણયુક્ત આહારનો સમાવેશ કરો. કોરોનામાં આપણને તમામને જ્ઞાન મળ્યું કે શરીરમાં વીટામિન સી કેટલુ જરૂરી છે. માટે પોતાના રોજિંદા આહારમાં વિટામિન સીયુક્ત કોઈપણ એક ફ્રૂટનો અવશ્ય સામેલ કરવા જોઈએ. વીટીમીન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો, ચેરી, સ્ટ્રોબેરી અને કાકડી જેવા ફળનું સેવન યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં જરૂર મદદ કરે છે. ચીઝ, દહીં જેવા ઓછા ચરબીવાળા ડેરી ઉત્પાદનો અને આખા અનાજ અને મગફળી જેવા ફાઇબરયુક્ત ખોરાકને પોતાના આહારમાં સામેલ કરો. જેથી વિટામિનની સાથે પોષણ પણ મળશે.
રાખો આ બાબતનું ધ્યાન
શરીરમાં યુરિક એસિડ ઘટાડવા સૌ પ્રથમ તમારે પીઝા, બર્ગર જેવી મેંદાની બનાવટમાંથી બનેલ ખાદ્ય પદાર્થો અને ડીપ ફ્રાય કરવામાં આવેલ ખોરાક બંધ કરવો જોઈએ. તેમજ ચા-કોફીનું દિવસ દરમિયાન સેવન ઓછું કરવું. શક્ય બને તો દિવસમાં એક જ વખત ચા-કોફી લો. જો તમને ડાયાબિટીસ હોય, તો તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવું જોઈએ.કારણ કે હાઈ બ્લડ સુગર યુરિક એસિડ લેવલને અસર કરી શકે છે. તમે યુરિક એસિડનું સ્તર વધારી શકે તેવી કોઈપણ દવાઓ લઈ રહ્યા છો, તો તમારા ડૉક્ટરની સલાહ લો અને જરૂર મુજબ વૈકલ્પિક દવાઓનો વિચાર કરો
જીવનશૈલીમાં કરો બદલાવ
આજે મોટાભાગના લોકોની જીવશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. જેના કારણે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો થયો છે. વધારે વજન અથવા મેદસ્વીતા મેટાબોલિક ડિસફંક્શનનું કારણ બની શકે છે, જેના કારણે યુરિક એસિડનું સ્તર વધી શકે છે. નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા તમારા વજનને નિયંત્રણમાં રાખો. તમે જીમમાં ગયા વગર હળવી કસરતો કરી શકો છો. નિયમિતપણે ચાલવું, તરવું, સાયકલ ચલાવવું જેવી ઓછી અસરવાળી કસરતો કરો, જે યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.













