આજે મોટાભાગના લોકોને ઘરના સાદા ભોજન કરતા હોટલ અને રેસ્ટોરન્ટનું ખાવાનું વધારે પસંદ આવે છે. ખાસ કરીને યુવાનો અને બાળકો આજે પિઝ્ઝા, પાસ્તા, મેગી, બર્ગર જેવા ફૂડ આઈટમને રોજિંદા આહારમાં સ્થાન આપવા લાગ્યા છે. આ પ્રકારના આહારને જો ઠંડા ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સમસ્યા સર્જી શકે છે. જાણો એવા કયા આહાર છે જે કયારે પણ ઠંડા ના ખાવા જોઈએ.
બાળકો પોતાના લંચ બોક્સમાં પાસ્તા અને મેગી જેવી ફૂડ આઈટમ લઈ જાય છે. તો યુવાનો પણ આજકાલ મિત્રો સાથે મોજમસ્તી કરવા પિઝ્ઝા સાથે કોલ્ડ ડ્રિંકસની મિજબાની કરતા હોય છે. ત્યારે વડીલો કાયમ સલાહ આપતા જોવા મળે છે કે આવા ખોરાકને રોજિંદા આહારમાં સામેલ ના કરવા જોઈએ. અનેક ઘરોમાં આજે પણ ગરમ અને તાજું ભોજન લેવાનો આગ્રહ છે. કારણ કે ગરમ ભોજન શરીરમાં ઉર્જા પેદા કરે છે. ત્યારે મેંદાની બનાવટમાંથી બનતા આ ભોજન ઠંડુ લેવામાં આવે તો શરીર માટે ઝેર સમાન બને છે.
પિઝ્ઝા અને પાસ્તા : હોટલમાં મળતા પિઝ્ઝા અને પાસ્તા આજે તમામ લોકોની પ્રથમ પસંદગી છે. પરંતુ આ પિઝ્ઝા માટે બનતા રોટલા મેંદાની બનાવટના હોય છે. અને તેમાં ઉપયોગમાં લેવાતી ગ્રેવી પણ હોટલમાં અગાઉથી બનાવવામાં આવતી હોય છે. પિઝ્ઝા બેઝ (પિઝ્ઝાના રોટલા) પણ અગાઉથી બનાવવાના કારણે જ્યારે તે ગ્રાહકને આપવામાં આવે ત્યારે તેમાં ઉપયોગ કરવામાં આવેલ ચીઝ અને ટોપિંગ્સ હવામાં રહેલ બેકટેરિયાને જલદી આકર્ષે છે.
પિઝ્ઝાને ખાલી બેક કરવામાં આવે છે. એટલે જ્યારે મેંદામાંથી બનેલ પિઝ્ઝાને ફરી રિ-હીટ કરાય છે. અને જ્યારે તે ગ્રાહક પાસે જાય છે ત્યારે તે ઠંડા થઈ જાય છે. આમ, ઠંડા પિઝ્ઝાનું સેવન પેટ સંબંધિત સમસ્યાને આમંત્રણ આપે છે. આ રીતે પાસ્તામાં પણ ઉપયોગમાં લેવાતા વ્હાઈટ સોસમાં પણ મેંદાનો ઉપયોગ કરાયો હોય છે. અને પાસ્તા પણ મેંદાની બનાવટના હોય છે. મેંદાની બનાવટની કોઈપણ વસ્તુને ઠંડી ખાવામાં આવે તો પચવામાં વધુ ભારે લાગે છે.
ઠંડા રાઈસ : યુવાનોને ભાત ખાવાના બદલે પુલાવ ખાવાનું વધુ પસંદ હોય છે. અને એટલે જ વ્યસ્ત જીવનશૈલીના કારણે અમેરિકાની જેમ અનુકરણ કરતા અનાજની સંગ્રહખોરી કરવામાં આવે છે. યુવાનો પોતાના મનપસંદ પુલાવને બે દિવસ ચાલે તે રીતે વધુ ક્વોન્ટીટીમાં બનાવે છે. કયારે પણ રાઈસ (ભાત)ને ઠંડુ ખાવાની વડીલો સલાહ આપતા નથી. કારણ કે ચોખા ઠંડા થતા તેમાં બેકટેરિયા થવાની સંભાવના વધે છે. ઠંડા ભાત ઝેરી તત્ત્વો ઉત્પન્ન કરે છે અને એટલે જ્યારે ઠંડા ભાતનું સેવન કરવામાં આવે ત્યારે ફૂડ પોઈઝનિંગ અને પેટના ચેપનું જોખમ વધારે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.