ઉનાળામાં સૂર્યપ્રકોપનો સામનો કરવો મુશ્કેલ બને છે. છતાં જરૂરી કામોના કારણે આકરા તાપમાં બહાર નીકળવું પડે છે. ગરમીમાં બહાર નીકળતા ત્વચા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. અનેક લોકોમાં ગરમીના કારણે ત્વચા ટેન થઈ જવાનું જોવા મળ્યું છે. સૂર્યના હાનિકારક કિરણોથી બચવા આજકાલ લોકોમાં સનસક્રીન લોશનનો ઉપયોગ વધ્યો છે. પરંતુ ગરમીમાં ત્વચા પર સનસક્રીન લોશન લગાવવું કેટલું લાભકારક છે તેને લઈને ઘરના વડિલો અને ટીનએજ વયના લોકો વચ્ચે જુદા-જુતા અભિપ્રાયો જોવા મળ્યા હતા.
સનસ્ક્રીન લગાવવું અત્યંત લાભકારક
સ્કીન એક્સપર્ટના મતે ગરમીમાં ત્વચાની સંભાળ માટે સનસ્ક્રીન લગાવવું અત્યંત લાભકારક અને જરૂરી છે. સનસ્ક્રીન લોશન ઉનાળાની ઋતુમાં ત્વચાને આરામ અને હળવાશનો અનુભવ કરાવે છે. સનસ્ક્રીન તમારી ત્વચાને યુવી કિરણોથી બચાવવામાં મદદ કરે છે, જે અકાળ વૃદ્ધત્વ, કરચલીઓ અને ત્વચા કેન્સરનું કારણ બની શકે છે. સનસ્ક્રીન લોશન ત્વચાને UVA અને UVB કિરણોથી બચાવે છે. લોશનના કારણે સ્કિનને બળતરા, ટેનિંગ અને ડાર્ક સ્પોટથી રક્ષણ મળે છે. તેમજ લાંબા ગાળે સ્કિન કેન્સરથી પણ બચાવે છે. આ ઉપરાંત આકરો તાપ ત્વચા પર પડતા ઉંમર કરતા વહેલા કરચલી પડવા લાગે છે. જ્યારે સનસ્ક્રીન લોશન ત્વચાને સમય પહેલા વૃદ્ધ થતા અટકાવે છે.
ત્વચાની સુંદરતા જાળવવામાં મદદરૂપ
સન સ્ક્રીન લોશનના કારણે ત્વચા ટેન થતી નથી અને ડાર્ક સર્કલ જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. ગરમીમાં સનસ્ક્રીન લોશન ત્વચાની સુંદરતા જાળવી રાખે છે. સ્કીન એક્સપર્ટ જણાવે છે કે આજેપણ અનેક લોકોમાં સનસક્રીન લોશનનો ઉપયોગ ક્રીમ લગાવવાની જેમ કરવામાં આવે છે. તમે જ્યારે ગરમીમાં બહાર નીકળો ત્યારે શરીર પર પૂરતા પ્રમાણમાં સનસ્ક્રીન લગાવવું જોઈએ. બહાર નીકળવાના 15-20 મિનિટ પહેલા શરીરના ચોક્કસ ભાગ પર સનસ્ક્રીન જરૂર લગાવો.
વધુ SPF વાળું સનસ્ક્રીન સારું
ગરમીમાં જે લોકો સ્વિમિંગ કરતા હોય અથવા જીમમાં જતા હોય તેમણે દર બે કલાકે અથવા વધુ વખત સનસ્ક્રીન લગાવી શકે છે. ગરમીમાં જો તમારે વધુ પડતું બહાર રહેવાનુ થતું હોય તો તમે SPF 30 અથવા તેથી વધુ SPF વાળું સનસ્ક્રીન પસંદ કરો. યાદ રાખો કે સનસ્ક્રીન લોશન એ ક્રીમ નથી. એટલે ઘરની બહાર નીકળો ત્યારે ચહેરા સિવાય હાથ, પગ, ગળું, કાન ઉપર પણ લગાવીને બહાર નીકળો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.