- પાલખ અને ચણાનો લોટ કરશે તમારી મદદ
- સામાન્ય મસાલા સાથે બનશે બેસ્ટ બ્રેકફાસ્ટ
- ઘરે જ પરિવાર માટે તૈયાર કરો હેલ્ધી વાનગી
શિયાળાની સીઝન શરૂ થઈ છે ત્યારે માર્કેટમાં ભાજીઓની ભરમાર જોવા મળી રહી છે. આ સમયે જો તમે પણ તમારા પરિવારની હેલ્થ સારી રહે તેમ ઈચ્છો છો તો તમે સરળતાથી મળતી એવી પાલખની ભાજીની વિવિધ વાનગીઓ ટ્રાય કરી શકો છો. તમે તેમાંથી પાલખના ઢોકળા, પરોઠા, પુલાવ જેવી અનેક વસ્તુઓ બ્રેકફાસ્ટમાં ટ્રાય કરી શકો છો. ઢોકળા નાના બાળકોથી માંડીને મોટેરાંઓને ખૂબ પ્રિય હોય છે અને સરળતાથી બની પણ જાય છે. તો તમે પણ આ વાનગીને બ્રેકફાસ્ટમાં ટ્રાય કરો.
પાલખનાં ઢોકળાં
સામગ્રી
-1 કપ ચણાનો લોટ
-300 ગ્રામ પાલખ
-1/4 કપ જાડું દહીં
-1 ઇંચનો ટુકડો આદુનો
-2 થી 3 નંગ લીલાં મરચાં
-2 ચમચા તેલ
-1 ચમચી લીંબુનો રસ
-1 ચમચો ખાંડ
-1 નાની ચમચી ખાવાનો સોડા
-1 ચમચો ઝીણી સમારેલી કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
વઘાર માટે
-2 ચમચા તેલ
-1 ચમચી રાઈ
-2 ચમચી તલ
-5 થી 6 મીઠા લીમડાનાં પાન
-1/4 ચમચી હિંગ
-3 ચમચા પાણી
રીત
સૌપ્રથમ પાલખનાં પાનને દાંડી સાથે જ વરાળે બાફી લો. ઠંડા થાય એટલે એમાં આદું અને મરચાં ઉમેરી મિક્સમાં પ્યુરી બનાવી લો અને અલગ રાખો. હવે એક બાઉલમાં ચણાનો લોટ, પાલખની પ્યુરી, દહીં અને તેલ લઈ મિક્સ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ખીરું બનાવી લો. ખીરું ખૂબ પાતળું પણ નહીં અને ખૂબ ઘટ્ટ પણ નહીં એવું હોવું જોઈએ. હવે ખીરામાં મીઠું, લીંબુનો રસ, સાકર ઉમેરી મિક્સ કરો અને પાંચથી દસ મિનિટ માટે સેટ થવા દો. હવે સોડા ઉમેરી હલાવો અને તેલ લગાવેલી થાળીમાં પાથરો. ઢોકળાંને પંદરથી વીસ મિનિટ માટે વરાળે બાફી લો. ઢોકળાં બફાઈ જાય એટલે ગૅસ પરથી ઉતારી ઠંડાં કરો. હવે વઘાર કરવા માટે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, તલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરી ગરમ કરો. તલ અને રાઈ ફૂટે એટલે ગૅસ બંધ કરી વઘારમાં ત્રણ ચમચા પાણી ઉમેરો. તૈયાર કરેલો વઘાર ઢોકળાં પર પાથરી દો. ઢોકળાંને ચોરસ ટુકડામાં કાપી એના પર કોથમીર ભભરાવી સજાવો. સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો.