- રીંગણ જોઈને જ મોઢું બગાડનારા ખાશે બે હાથે
- રીંગણ શેકવામાં રાખો ખાસ ધ્યાન
- બાજરીના રોટલા સાથે માણો સ્વાદ
શિયાળાની સીઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે માર્કેટમાં અનેક પ્રકારના રીંગણ આવી રહ્યા છે. રવૈયાના લીલા અને નાના રીંગણ, ભુટ્ટા રીંગણ, કાળા લાંબા રીંગણ અને સાથે જ ભડથા માટેના કાળા મોટા રીંગણ પણ માર્કેટમાં આવી ચૂક્યા છે. અનેક એવા લોકો છે જે રીંગણ જોઈને જ મોઢું બગાડે છે. જો તમે આમાંના એક છો તો તમે શિયાળાની સીઝનમાં રીંગણનું ભડથું કે ઓળો ટ્રાય કરી શકો છો. આ વાનગી બનાવવામાં સરળ છે અને શિયાળામાં તે હેલ્થ માટે સારી રહે છે. રીંગણની તાસીર ગરમ હોવાના કારણે તમે શિયાળાની ઠંડીમાં રાહત મેળવી શકે છે. તો જાણો કઈ રીતે બનાવશો રીંગણનો ઓળો ઘરે જ.
રીંગણનો ઓળો
સામગ્રી
-6 લીલા મરચા સમારેલા
-4 ટેબલસ્પૂન તેલ
-1 ચપટી હીંગ
-8 લીલી ડુંગળી, સમારેલી
-2 મધ્યમ કદના ટામેટા
-500 ગ્રામ રીંગણ
-1/2 ટીસ્પૂન હળદર
-12 સમારેલી લીલા લસણની કળી
-1 ટી સ્પૂન જીરું
-મીઠું સ્વાદાનુસાર
- અડધી ચમચી ગરમ મસાલો
- અડધી વાટકી કોથમીર
રીત
સૌ પહેલા તો રીંગણને ધોઈ લો અને તેની પર ચપ્પાની મદદથી થોડા થોડા અંતરે કાપા પાડી લો. હવે તેની પર હાથની મદદથી તેલ લગાવો અને તેને ગેસ પર કે ચૂલામાં શેકી લો. રીંગણની છાલ બળી જાય ત્યા સુધી તેને આગ પર શેકો. હવે તરત જ તેને પાણીમાં નાંખીને ઠંડા થવા દો અને પછી તેની છાલ ઉતારી લો. તેનો માવો કરી લો. તેલ ગરમ કરો. તેમાં જીરુ નાંખીને સાંતળો. હવે તેમાં સમારેલું લસણ, ડુંગળી અને લીલા મરચા ઉમેરો. બે મિનીટ સુધી હલાવો. ત્યાર બાદ તેમાં સમારેલા ટમેટા, હળદર, હીંગ, મીઠું, ગરમ મસાલો અને રીંગણનો માવો ઉમેરો. હવે તેને થોડી મિનિટો માટે ચઢવા દો. હવે તેની પર કોથમીર ભભરાવી લો.રીંગણના ઓળાને બાજરીના રોટલા સાથે ગરમ ગરમ સર્વ કરો.