અમદાવાદમાં ઉત્તરાયણનો રંગ જામ્યો છે ત્યારે ગુજરાતી મનોરંજન જગતના સિતારાઓ પણ પતંગબાજીના આનંદમાં પાછળ રહ્યા નથી. જાણીતા લોકગાયક દેવપગલીએ અમદાવાદની ટેરેસ પર મિત્રો અને પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ટેરેસ પર દેવપગલીના લોકપ્રિય ગીતોના સૂર પણ રેલાયા હતા, જેનાથી વાતાવરણ એકદમ ઉત્સાહમય બની ગયું હતું. સેલિબ્રિટીઝને પોતાની વચ્ચે જોઈ આસપાસની ટેરેસ પર રહેલા પ્રશંસકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને 'કાપો છે' ના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
પતંગબાજી સાથે સંગીતનો સંગમ
બીજી તરફ, લોકપ્રિય હાસ્ય કલાકાર અને લોકગાયક હકાભા ગઢવીએ પણ ઉત્તરાયણના પર્વને પરંપરાગત શૈલીમાં માણ્યું હતું. હકાભાએ પોતાની આગવી શૈલીમાં ગીતો અને દુહા લલકારીને ટેરેસ પર પતંગોત્સવની સાથે સાંસ્કૃતિક માહોલ ઉભો કર્યો હતો. પતંગ કાપવાની હરીફાઈ વચ્ચે હાસ્યની છોળો અને સંગીતની સુરાવલીઓએ અમદાવાદની ઉત્તરાયણને સાચા અર્થમાં ખાસ બનાવી દીધી હતી. સેલિબ્રિટીઝ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને ફોટા જોઈને તેમના ચાહકો પણ આ ડિજિટલ ઉત્સવમાં સહભાગી બન્યા હતા.
