ગુજરાતનો લોકપ્રિય પર્વ ઉત્તરાયણ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદના જમાલપુર સહિતના પતંગ બજારોમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે પતંગરસિયાઓને પર્વની ઉજવણી મોંઘી પડશે. હોલસેલ વેપારીઓના મતે, પતંગના ભાવમાં ગત વર્ષ કરતા 30 ટકા જેટલો વધારો થયો છે. આ વધારા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે: પ્રથમ, સરકારે પેપર પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કર્યો છે. બીજું, ચાલુ વર્ષે ચોમાસું પાંચ મહિના જેટલું લંબાયું હોવાથી પતંગનું ઉત્પાદન ઘટ્યું છે. ત્રીજું, લગ્નની સીઝન હોવાથી કારીગરોની અછત વર્તાઈ રહી છે. જે પતંગની કોડી પહેલા 80 રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ અત્યારે 150 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને ઉત્તરાયણ આવતા સુધીમાં તે 200 રૂપિયાને પાર કરી શકે છે.
દોરી બજાર સ્થિર પણ પતંગ મોંઘી
પતંગના ભાવમાં વધારો હોવા છતાં દોરીનું બજાર પ્રમાણમાં સ્થિર છે, જેમાં માત્ર 5 થી 10 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે બજારમાં પંજાબી, જયપુરી અને બરેલી પતંગોનું નવું આકર્ષણ જોવા મળી રહ્યું છે, જ્યારે દોરીમાં ચરખાની અને હાથે રંગેલી દોરીની ભારે માંગ છે. અમદાવાદમાં પતંગ અને દોરીનો વ્યવસાય અંદાજે 100 કરોડ રૂપિયાનો છે, જે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ નિકાસ થાય છે. આ ઉદ્યોગ આશરે 4 થી 5 હજાર કારીગરોને સીધી રોજગારી પૂરી પાડે છે. જોકે, આ વર્ષે એલ્યુમિનિયમની ફિરકી અને ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની ફિરકીઓનું વેચાણ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
