ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ વર્ષે પોતાના મતવિસ્તાર થરાદના શિવનગરમાં સ્થાનિક રહીશો અને કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે થરાદના વિકાસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ થરાદમાં વિકાસનો પવન વહી રહ્યો છે અને થરાદ નગરપાલિકા પ્રગતિના પંથે આગળ વધી રહી છે. પતંગબાજીના આનંદ વચ્ચે તેમણે મતવિસ્તારના લોકો સાથે મુલાકાત કરી હતી અને સૌને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉત્તરાયણ પર જીવદયાનો સંદેશ
ઉત્તરાયણના દિવસે થતી ગૌસેવા અંગે શંકર ચૌધરીએ એક ખૂબ જ મહત્વની ટકોર કરી હતી. તેમણે ગાયોની સેવા કરનારા શ્રદ્ધાળુઓને સૂચન કર્યું હતું કે, "ગૌસેવા ચોક્કસ કરો, પરંતુ માત્ર એક જ દિવસમાં ગાયોને વધુ પડતું ન ખવડાવો." તેમણે સમજાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે અતિશય ઘાસચારો કે અન્ય વસ્તુઓ ખવડાવવાથી અબોલ જીવોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે, તેથી શ્રદ્ધાળુઓએ વિવેકબુદ્ધિથી સેવા કરવી જોઈએ. તેમની આ ટકોરની જીવદયા પ્રેમીઓમાં પણ સરાહના થઈ રહી છે.
