મકર સંક્રાંતિના પર્વ પર જ્યાં એકબાજુ આકાશમાં પતંગોનો પેચ લડાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ આ જ પતંગની દોરી નિર્દોષ રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં પતંગની દોરી વાગવાથી એક 16 વર્ષના કિશોરને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. આ કિસ્સો ઉત્તરાયણના પર્વ પર લોકો માટે લાલબત્તી સમાન છે.


ટ્યુશન જતી વખતે બની

ઘટના મળતી માહિતી મુજબ, ભરતનગર શેત્રુંજય-2 સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ ઉજૈનિયાનો 16 વર્ષના પુત્ર આજે બપોરના સમયે પોતાના ઘરેથી ભરતનગર બાપા સીતારામ ચોક વિસ્તારમાં ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. આ કિશોર જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગની કાતિલ દોરી તેના ગળાના ભાગે આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે કિશોરના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો.

તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કિશોરને ગળાના ભાગે ઊંડો ઘા પડ્યો હોવાથી તેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.

વાલીઓ માટે ચેતવણી

ઉત્તરાયણ દરમિયાન ભાવનગરમાં દોરી વાગવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર પર જતા વાહનચાલકોએ ગાર્ડ લગાવવા જોઈએ અને રાહદારીઓએ ગળામાં મફલર પહેરવા જોઈએ. ટ્યુશન કે શાળાએ જતા બાળકોના વાલીઓએ પણ આ સમયે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે.


આ પણ વાંચો - Bhavnagar:ફ્લેટમાં ઘરકામ કરતી મહિલાએ રૂ.4.80 લાખના દાગીના ચોર્યા



  • Follow us on: