- ચૈત્ર નવરાત્રિની શરૂઆત
- સૂકી ભાજી કે મોરૈયાનો ઉપયોગ ટાળો
- સામાની મદદથી બનાવો ફરાળી ઢોકળા
આજથી ચૈત્ર નવરાત્રિનો તહેવાર ચાલુ થઈ ચૂક્યો છે ત્યારે અનેક ઘરોમાં ઉપવાસ પણ શરૂ કરાયા છે. જો તમે બટાકાની સૂકી ભાજી કે મોરૈયો ખાઈને કંટાળી ચૂક્યા છો તો તમે તેમાં નવીનતા લાવી શકો છો. જો તમે પણ તમારી ફરાળી થાળીમાં નવીનતા લાવવા ઈચ્છો છો તો તમે ફરાળી ઢોકળા બનાવી શકો છો. તો જાણો રેસિપિ.
ફરાળી ઢોકળા
સામગ્રી
1 કપ સામો
1 ચમચી શિંગોડાનો લોટ
1/2 કપ દહીં
1/2 ચમચી ઝીણું સમારેલું આદુ
1/2 ચમચી લીંબુનો રસ
1/2 ચમચી વરિયાળી
1/2 ટીસ્પૂન મરી પાવડર
1 લીલું મરચું
1/2 ચમચી જીરું
1/4 ચમચી ખાવાનો સોડા
2 ચમચી ઘી
સિંધવ મીઠું
મીઠો લીમડો

રીત
ફરાળી ઢોકળા બનાવવા માટે સામાની જરૂર રહેશે. સૌથી પહેલા સામો સાફ કરી લો. મિક્સરમાં પીસીને તેનો કરકરો પાવડર બનાવી લો. હવે તેને એક બાઉલમાં કાઢી લો. તેમાં શિંગોડાનો લોટ, દહીં અને સિંધવ મીઠું મિક્સ કરો અને તેને 15 મિનિટ સુધી રહેવા દો. હવે સ્વાદ મુજબ લીંબુનો રસ, 1 ચમચી ઘી અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો. ખાવાનો સોડા ઉમેરો અને આ મિશ્રણને મોલ્ડમાં રેડો અને તેને 10 મિનિટ માટે વરાળ સાથે કૂક કરો. ટૂથપિકથી તપાસો કે એ સરખું પાકી ગયું છે કે નહીં. જ્યારે તે સારી રીતે ચઢી જાય છે તો તમે તે થાળીને બહાર કાઢી લો. પછી ઢોકળાને ચોરસ ટુકડામાં કાપીને મોલ્ડમાંથી બહાર કાઢો. એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જ્યારે જીરું ફૂટે ત્યારે તેમાં મીઠો લીમડો અને ઉભું કાપેલું લીલું મરચું ઉમેરો, થોડી સેકંડ માટે ગેસ પર રાંધ્યા પછી, તેને ઢોકળા પર નાખો. તૈયાર છે ફરાળી ઢોકળા. ઢોકળાને ફરાળમાં ખાઈ શકાય એવી ચટણી સાથે સર્વ કરો.