- બ્રેકફાસ્ટમાં આ પરોઠા રહેશે બેસ્ટ
- ઝડપથી બની જશે મગની દાળના પરોઠા
- ચટણી, દહીં સાથે સર્વ કરો પરાઠા
ગુજરાતી ઘરોમાં મગની બાફેલી દાળ અથવા તો મગનું શાક તો બનતું જ હોય છે. પણ શું તમે એ જાણો છો કે આ મગની દાળમાંથી હેલ્ધી પરાઠા પણ બની શકે છે. તમે રોજિંદી મગની દાળને નવો ટ્વિસ્ટ આપવા ઈચ્છો છો તો બ્રેકફાસ્ટમાં આ પરોઠા બની શકે છે. આ નાસ્તો બાળકો માટે એક પરફેક્ટ ઓપ્શન બની શકે છે. મગની દાળ અને ઘઉંનો લોટ - આ બંનેની મદદથી બનાવેલા પરાઠા હેલ્થ માટે સારા રહે છે અને સાથે તમને આખો દિવસ એનર્જેટિક રાખે છે. તો જાણો ઘરે કેવી રીતે તેને સરળતાથી બનાવી શકશો.
મૂંગદાળ પરાઠા
સામગ્રી
-1 કપ મગની બાફેલી દાળ
-1/2 કપ ઝીણી સમારેલી પાલક
-2 કપ ઘઉંનો લોટ
-1 ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ
-1/4 ટી સ્પૂન હળદર
-1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ

રીત
સૌપ્રથમ ઘઉંના લોટને એક મોટા પહોળા વાસણમાં ચાળી લો. ત્યાર બાદ તેમાં બાફેલી મગની દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પાલક, આદું-લસણની પેસ્ટ અને મોણ માટેનું તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. જો તમે ઈચ્છો તો ખટાશ માટે થોડું દહીં પણ ઉમેરી શકો છો. બધી જ સામગ્રી મિક્સ કર્યા બાદ કણક બાંધો. જો જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરીને કણક બાંધી લો. લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. હવે તૈયાર કરેલા લોટમાંથી લુઆ લઈને અટામણની મદદથી પરાઠા વળી લો. આ દરમિયાન એક નોન સ્ટિક પેન ગરમ કરી લો. વળેલા પરાઠાને પેનમાં બંને બાજુ લાઈટ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે તમારા પરોઠા. તમે તેને ચટણી, દહીં સાથે સર્વ કરી શકો છો. આ સિવાય તમે ચા સાથે પણ આ પરોઠાની મજા માણી શકશો.