• ઘરે જ સરળતાથી બનશે આ હેલ્ધી નાસ્તો
  • વ્રતમાં સરળતાથી લઈ શકશો ઉપયોગમાં
  • ટેસ્ટ અને હેલ્થ બંનેમાં રહેશે આ ડિશ બેસ્ટ

અનેકવાર તમે નાસ્તામાં કંઈ અલગ ખાવાનું વિચારતા હોવ છે. આ સમયે તમે જો બટાકાની કટલેસથી કંટાળ્યા છો તો તમે કાચા કેળાની કટલેસની મજા માણી શકો છો. શિયાળામાં કાચા કેળા વધારે પ્રમાણમાં મળી રહે છે. જો તમે એકની એક વેફરથી કંટાળ્યા છો તો તમે તેની કટલેસ ટ્રાય કરી શકો છો. ડિનર પહેલાં જો તમે કંઈ લાઇટ ખાવાનું વિચારી રહ્યા છો તો શિયાળાની મજા કરાવતી આ કાચા કેળાંની કટલેસને માણી શકો છો. તમે તમારી પસંદ અનુસાર તેમાં કેળા કે બટાકા મિક્સ કરી શકો છો. કાચા કેળાની કટલેસને તમે વ્રતમાં પણ ઉપયોગમાં લઇ શકો છો. તે એક ફરાળી ડિશ છે. જો તમે તેને ફરાળની રીતે ઉપયોગમાં લેવા ઇચ્છો છો તો તેમાં સિંધવનો ઉપયોગ કરો. એ સિવાય તમે સાદા મીઠાનો ઉપયોગ કરી શકો છો. ફરાળ માટે તમે શિંગોડાનો લોટ વાપરો અને સાદા ઉપયોગમાં લેવા માટે મકાઇનો કે બેસનનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કાચા કેળાંની કટલેસ બનાવવા માટેની આવશ્યક સામગ્રી.

સામગ્રી

- 400 ગ્રામ કાચા કેળાં

- 4 નંગ બટાકા

- 3 ટીસ્પૂન કોર્નફ્લોર કે શિંગોડાનો લોટ

- મીઠું કે સિંધવ સ્વાદ અનુસાર

- 2 નંગ બારીક સુધારેલા લીલા મરચાં

- 1 ઇંચનો ટુકડો આદુ છીણેલું

- 1/4 ચમચી મરી પાવડર

- 1 ટીસ્પૂન કોથમીર

- તેલ તળવા માટે

રીત

કેળાંને સારી રીતે ધોઈ લો અને બંને તરફનાં ડીટાં કાઢી લો. કેળાને કુકરમાં એક અલગ વાસણમાં વરાળમાં ચઢવો. જો તમે માઇક્રોવેવનો પ્રયોગ કરો છો તો તમે ચાર મિનિટ સુધી તેને તેમાં રાખો. હવે કેળાંની ઉપરનું છોડું કાઢો અને તેને મેશ કરી લો. બટાકાને છોલી લો અને સાથે તેને પણ મેશ કરી લો. એક મોટા વાસણમાં આ બંને મેશ કરેલી ચીજો, મરી, મીઠું, કોથમીરને મિક્સ કરો અને લોટ જેવું ઘટ્ટ બનાવી લો. નોનસ્ટિક કડાઈમાં એક ટીસ્પૂન તેલ ગરમ કરો અને સાથે થોડું મિશ્રણ હાથથી કાઢીને તેના ગોળા બનાવી લો. હથેળીથી તેને દબાવો અને ચપટું કરી લો. ચાર- પાંચ કટલેસ બનાવો. તેને કડાઈમાં શેકવા રાખો. બંને તરફ ફેરવીને તેને ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે કેળાંની કટલેસ.

આ રીતે બનાવો તળેલી કટલેસ

જો તમે તળેલી કટલેસ બનાવવા ઈચ્છો છો તો તમે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પહેલા બનાવેલી કટલેસની ટિક્કીને શિંગોડાના લોટમાં ભેળવીને ડીપ ફ્રાય કરો. તે બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો અને પેપર નેપકિન પર કાઢો જેથી તેનું વધારાનું તેલ શોષાઇ જશે. તૈયાર છે આ ગરમાગરમ અને ટેસ્ટી કટલેસ. તેને તમે દહીં, કોથમીરની ચટણી, ગળી ચટણીની સાથે સર્વ કરી શકો છો. માણો તેનો સ્વાદ.

ટિપ્સ - જ્યારે તમે કેળાં કે બટાકાની કટલેસ બનાવો છો ત્યારે બટાકાને બાફ્યા બાદ તરત ઉપયોગમાં ન લો. તેને એક કલાક ફ્રિઝમાં મૂકી રાખો. આમ કરવાથી કટલેસ સારી બને છે. 

  • Follow us on: