આજના આધુનિક યુગમાં ફિટ રહેવાની ઘેલછા યુવાનોમાં ખૂબ વધી છે. દરેક યુવાન જીમમાં જઈને મજબૂત સ્નાયુઓ અને આકર્ષક શરીર બનાવવા માંગે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી જીમમાં વર્કઆઉટ દરમિયાન અચાનક આવતા હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના બનાવોએ ચિંતા જન્માવી છે. જે યુવાનો બહારથી સંપૂર્ણ ફિટ દેખાય છે, તેઓ અચાનક આ જીવલેણ હુમલાનો ભોગ કેમ બની રહ્યા છે તે સમજવું ખૂબ જરૂરી છે.
યુવાનોમાં હાર્ટ એટેકના મુખ્ય કારણો
નિષ્ણાતોના મતે, માત્ર કસરત કરવાથી હાર્ટ એટેક નથી આવતો, પરંતુ તે કરવાની ખોટી રીત જવાબદાર છે:
અતિશય લોડ: ક્ષમતા કરતા વધુ વજન ઉચકવું કે તૈયારી વિના અચાનક તીવ્ર કસરત શરૂ કરવાથી હૃદય પર અસહ્ય દબાણ આવે છે.
અજાણ રોગો: ઘણા યુવાનોને ખબર હોતી નથી કે તેમના હૃદયમાં જન્મજાત કોઈ ખામી છે કે બ્લોકેજ છે. તીવ્ર વર્કઆઉટ આવા છુપા રોગોને ગંભીર બનાવી દે છે.
સપ્લીમેન્ટ્સનો અંધાધૂંધ વપરાશ: ડૉક્ટરની સલાહ વગર લેવામાં આવતા સ્ટેરોઇડ્સ, હેવી પ્રોટીન પાવડર અને એનર્જી ડ્રિંક્સ હૃદયના ધબકારા અનિયંત્રિત કરી શકે છે.
ડિહાઇડ્રેશન: કસરત દરમિયાન પુષ્કળ પરસેવો થાય છે. જો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની અછત સર્જાય તો બ્લડ પ્રેશર ખોરવાય છે, જે હૃદય માટે ખતરનાક સાબિત થાય છે.
કસરત કરવાનો યોગ્ય સમય કયો?
કસરતનો સમય તમારી જીવનશૈલી પર આધારિત છે, પરંતુ તેના ફાયદા અલગ અલગ છે:
સવારનો સમય: મેટાબોલિઝમ સુધારવા અને દિવસભર ઉર્જા જાળવી રાખવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. જોકે, સવારે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર કુદરતી રીતે થોડા વધારે હોય છે, તેથી સીધી ભારે કસરત ન કરતા પહેલા 'વોર્મ-અપ' કરવું ફરજિયાત છે.
સાંજનો સમય: સાંજે શરીર વધુ લવચીક હોય છે અને ઈજાનું જોખમ ઓછું રહે છે. જોકે, મોડી રાત્રે હેવી વર્કઆઉટ કરવાથી ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે.
સાવચેતીના પગલાં જરૂરી છે
વર્કઆઉટ શરૂ કરતા પહેલા હૃદયનું ચેકઅપ કરાવવું હિતાવહ છે. કસરત દરમિયાન જો શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં ભાર લાગે કે ચક્કર આવે તો તરત જ અટકી જવું જોઈએ. યાદ રાખો, ફિટનેસ એ ધીમી અને લાંબા ગાળાની પ્રક્રિયા છે; રાતોરાત શરીર બનાવવાની લાલચ જીવલેણ સાબિત થઈ શકે છે. તમારા શરીરના સંકેતોને ઓળખો અને તેને પૂરતો આરામ આપો. પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ એ કસરત જેટલા જ મહત્વના છે.
આ પણ વાંચોઃ WhatsApp વાપરવા માટે હવે ચૂકવવા પડશે પૈસા? જાણો શું છે 'WhatsApp Plus' સબ્સ્ક્રિપ્શન પ્લાન