આજના ભાગદોડભર્યા જીવનમાં સતત તણાવ, થાક અને માથાના દુખાવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ઘણીવાર આપણે આ લક્ષણોને જીવનશૈલીનો ભાગ સમજીને નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ લક્ષણો ગંભીર બીમારી જેમ કે 'મગજની ગાંઠ' (Brain Tumor) ના સંકેત પણ હોઈ શકે છે? લોકો ઘણીવાર મગજની ગાંઠના શરૂઆતના લક્ષણોને માઈગ્રેન કે તણાવ સમજી લેવાની ભૂલ કરે છે, જે સમય જતાં જોખમી સાબિત થઈ શકે છે.
સામાન્ય દુખાવાને અવગણશો નહીં
નિષ્ણાતોના મતે મગજની ગાંઠના લક્ષણો હળવા હોવા છતાં તેને ક્યારેય અવગણવા જોઈએ નહીં. ગાંઠના વિકાસને કારણે થતો માથાનો દુખાવો સામાન્ય દુખાવા કરતા અલગ હોય છે. આ દુખાવો ખાસ કરીને સવારના સમયે ખૂબ જ તીવ્ર હોય છે અને સમય જતાં તે વધુ વિકટ બનતો જાય છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે વ્યક્તિ સૂઈ જાય, ખાંસી ખાય કે ઝૂકે છે, ત્યારે આ દુખાવો વધી જાય છે. જો તમને સતત આવો દુખાવો રહેતો હોય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
વારંવાર ઉબકા કે ઉલટી આવવી એ પણ છે સંકેત
આ ઉપરાંત, સવારના સમયે વારંવાર આવતી ઉબકા કે ઉલટીની લાગણી એ મગજમાં વધતા દબાણનો સંકેત હોઈ શકે છે. લોકો ઘણીવાર તેને એસિડિટી ગણીને ઘરેલું ઉપચાર કરે છે, પરંતુ વારંવાર થતા આવા એપિસોડ ચિંતાજનક છે. ગાંઠ મગજના તે ભાગોને પણ અસર કરી શકે છે જે દ્રષ્ટિને નિયંત્રિત કરે છે. ઝાંખી દ્રષ્ટિ, બેવડી દ્રષ્ટિ અથવા દ્રષ્ટિનું કામચલાઉ નુકસાન થવું એ ગંભીર સંકેત છે. અનેક લોકો આને મોબાઈલના વધુ પડતા ઉપયોગનું પરિણામ માને છે, જે મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
યાદશક્તિ અને માનસિક સ્પષ્ટતાને કરે છે અસર
મગજની ગાંઠ યાદશક્તિ અને માનસિક સ્પષ્ટતાને પણ અસર કરે છે. વસ્તુઓ ભૂલી જવી, બોલતી વખતે યોગ્ય શબ્દો ન મળવા કે મૂંઝવણ અનુભવવી એ લક્ષણોને બર્નઆઉટ કે માનસિક થાક ન ગણવા જોઈએ. વધુમાં, ચાલતી વખતે સંતુલન ગુમાવવું, ચક્કર આવવા અથવા અચાનક હુમલા આવવા એ સીધી ચેતવણી છે.
કોઇ પણ લક્ષણ જણાય તરત સારવાર લો
આજકાલ આ રોગની સારવાર માટે શસ્ત્રક્રિયા, રેડિયેશન થેરાપી અને કીમોથેરાપી જેવી અદ્યતન તકનીકો ઉપલબ્ધ છે. જોકે, સફળ સારવારનો મુખ્ય આધાર ગાંઠના પ્રકાર, કદ અને સ્થાન પર રહેલો છે. તેથી, કોઈપણ ગંભીર લક્ષણોને સામાન્ય ગણીને અવગણવાને બદલે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી એ જ સાચી સમજદારી છે. યાદ રાખો, વહેલું નિદાન જ આ ગંભીર બીમારીમાં જીવન બચાવી શકે છે.
આ પણ વાંચોઃ Lifestyle: ચા બનાવ્યા બાદ ચાની પત્તી ફેંક્યા કરતા કરો આ ઉપાય, માખીઓ ઘરમાં ફરકશે પણ નહીં!
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.