જીન્સ એક એવું આઉટફિટ છે જે દરેક વ્યક્તિના વોર્ડરોબમાં અવશ્ય હોય છે. ખાસ કરીને આજના યુવાનો કોઈપણ પ્રસંગે જીન્સ પહેરવાનું વધુ પસંદ કરે છે. જયારે ઓફિસ વર્ક કરતી યુવાન મહિલાઓ પણ જીન્સ પર કુર્તી પહેરતી હોય છે. જીન્સ હંમેશા ટ્રેન્ડિંગમાં હોય છે. તેની સાથે દરેક પ્રકારના ટોપ-ટી શર્ટ વધુ સુંદર લાગે છે. આજકાલ યુવાનો જ નહીં પુખ્તવયના લોકોમાં પણ જીન્સ પહેરવાનો ક્રેઝ વધ્યો છે. તે ટકાઉ અને કમ્ફર્ટેબલ હોવાથી લોકો તેને વારંવાર પહેરે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જીન્સને કેટલી વાર ધોવા જોઈએ? ઘણા લોકો તેને દરેક ઉપયોગ પછી ધોઈ નાખે છે, જે ખરેખર ખોટી રીત છે.
જીન્સ કેટલી વાર ધોવા જોઈએ?
નિષ્ણાતોના મતે, જીન્સને વારંવાર ધોવાની જરૂર હોતી નથી. જો તમારી પાસે રેગ્યુલર વેર જીન્સ છે, તો તેને દર ૫ થી ૧૦ વાર પહેર્યા પછી જ ધોવા જોઈએ. જો જીન્સના આગળના ભાગ પર કોઈ ચોક્કસ ડાઘ લાગ્યો હોય, તો માત્ર એ જ ભાગને સાફ કરો, આખા જીન્સને વોશિંગ મશીનમાં નાખવાનું ટાળો. વારંવાર ધોવાથી જીન્સનું કાપડ નબળું પડે છે અને તેનો રંગ ઉડી જાય છે. જીન્સ વારંવાર ધોવાથી કાપડ હલકું થતા જલદી ફાટવાના ચાન્સ વધી જાય છે. જે લોકો કપડાનું ડ્રાયકલીન કે વોશ કરતાં હોય તેવા એક નિષ્ણાતે જણાવ્યું કે જીન્સ જેટલું ઓછું ધોવાશે, તેટલું જ વધુ લાંબુ ચાલશે અને તેનો ફિટિંગ તેમજ લુક અદભુત રહેશે.
ફોલો કરો આ ટીપ્સ જીન્સને હંમેશા નવા જેવા લાગશે
જીન્સને ઊંધું કરીને ધુવો: જ્યારે પણ જીન્સ ધોવાનું થાય, ત્યારે તેને હંમેશા ઊંધું કરી લો. આમ કરવાથી વોશિંગ મશીનમાં ઘર્ષણ ઓછું થશે અને તેનો ઓરિજિનલ કલર લાંબા સમય સુધી જળવાઈ રહેશે.
ઠંડા પાણીનો ઉપયોગ: જીન્સ ધોવા માટે ક્યારેય ગરમ પાણીનો ઉપયોગ ન કરો. ગરમ પાણીથી જીન્સ સંકોચાઈ (Shrink) શકે છે. હંમેશા ઠંડા પાણી અને માઇલ્ડ (હળવા) ડિટર્જન્ટનો ઉપયોગ કરો.
વોશિંગ મશીન ડ્રાયરનો ઉપયોગ ટાળો: મશીનમાં જીન્સને વધુ પડતું સ્પિન કે ડ્રાયર ન કરો. જીન્સને કુદરતી હવામાં, સૂર્યપ્રકાશના સીધા સંપર્ક વિના, છાંયડામાં ઊંધું કરીને સૂકવવું બેસ્ટ છે.
વિનેગરની ટ્રિક: જો તમે નવું જીન્સ ખરીદ્યું હોય, તો પહેલીવાર ધોતી વખતે પાણીમાં થોડું મીઠું અથવા સફેદ વિનેગર ઉમેરો. આ રીત જીન્સના કલરને લોક કરી દે છે, જેથી કલર ક્યારેય ઉડતો નથી.
ફ્રીઝર ટેકનિક: જો જીન્સમાંથી સામાન્ય ગંધ આવતી હોય પરંતુ તે ગંદુ ન હોય, તો તેને પ્લાસ્ટિક બેગમાં પેક કરીને એક રાત માટે ફ્રીઝરમાં મૂકી દો. ઠંડીના કારણે તમામ બેક્ટેરિયા અને દુર્ગંધ ગાયબ થઈ જશે.
આ પણ વાંચો : Lemon Water Benefits: શું રોજ સવારે નવશેકું લીંબુ પાણી પીવાથી ઘટે છે પેટની ચરબી, જાણો શુ કહે છે નિષ્ણાંતો?
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )