નાક પર દેખાતા નાના-નાના કાળા ડાઘ એટલે કે બ્લેકહેડ્સ (Blackheads) ચહેરાની સુંદરતા બગાડે છે. નાક આપણા ચહેરાના મુખ્ય ભાગ છે, જ્યાં ઓઈલ ગ્રંથિઓ સૌથી વધુ સક્રિય હોય છે. જ્યારે ત્વચાના ખુલ્લા છિદ્રોમાં વધારાનું સીબમ (ઓઈલ), મૃત ત્વચા કોષો અને પ્રદૂષણની ગંદકી જમા થાય છે, ત્યારે હવાના સંપર્કમાં આવતા જ તે ઓક્સિડાઇઝ થઈને કાળા પડી જાય છે. વધુ પડતો તણાવ, પ્રદૂષણ અને ખોટા મેકઅપ કે સનસ્ક્રીનનો ઉપયોગ આ સમસ્યાને વધારે છે. જો તમે પણ નાક પરના બ્લેકહેડસથી પરેશાન છો તો આ ટીપ્સ અજમાવો. તેનાથી ત્વચાના છિદ્રો ખુલશે અને ચહેરો ચમકદાર થશે.
બ્લેકહેડ્સથી મુક્તિ મેળવવા ટ્રાય કરો આ 5 સ્ટેપ્સ
૧. હળવા ફેસવોશથી ક્લીન્સિંગ
સૌથી પહેલા તમારા ચહેરાને કોઈ માઇલ્ડ (હળવા) ફેસવોશથી સાફ કરો. નાકની આસપાસના ભાગને હળવા હાથે મસાજ કરીને ધોઈ લો. જોરથી ઘસવાનું ટાળો. આનાથી ત્વચા પર જમા થયેલું વધારાનું તેલ અને ધૂળ-ગંદકી સરળતાથી નીકળી જશે.
૨. ફેસ સ્ટીમિંગ એટલે કે વરાળ લો
વરાળ સીધી બ્લેકહેડ્સને ગાયબ નથી કરતી, પરંતુ તે ત્વચા અને છિદ્રોને નરમ (Soft) બનાવવાનું કામ કરે છે. એક વાસણમાં ગરમ પાણી લઈ ૫ થી ૭ મિનિટ માટે ચહેરા પર વરાળ લો. ત્યારબાદ સોફ્ટ ટુવાલ વડે હળવા હાથે ચહેરો લૂછી લો.
૩. સેલિસિલિક એસિડ પ્રોડક્ટ્સનો ઉપયોગ
ત્વચારોગ વિજ્ઞાનીઓ (Dermatologists) બ્લેકહેડ્સ માટે સેલિસિલિક એસિડને શ્રેષ્ઠ માને છે. તમે ૦.૫% થી ૨% સાંદ્રતા ધરાવતું ફેસવોશ અથવા સીરમ વાપરી શકો છો. તે છિદ્રોની અંદર ઉતરીને ઓઈલ અને ડેડ સ્કીનને સાફ કરે છે. (નોંધ: ચહેરા પર લગાવતા પહેલા હાથ પર પેચ ટેસ્ટ જરૂર કરો).
૪. ક્લે માસ્ક
જો તમારી ત્વચા વધુ પડતી તૈલી (Oily Skin) હોય, તો માટીનો માસ્ક (Clay Mask) બેસ્ટ ઓપ્શન છે. અઠવાડિયામાં એક કે બે વાર તેને નાક અને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા બાદ સાદા પાણીથી ધોઈ લો. આ ત્વચાનું એક્સેસ ઓઈલ કંટ્રોલ કરશે.
૫. જેન્ટલ એક્સ્ફોલિયેશન
કઠોર સ્ક્રબ ત્વચા પર બળતરા પેદા કરી શકે છે. તેના બદલે, હળવા AHA અથવા BHA ધરાવતા કેમિકલ એક્સ્ફોલિયેટર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. તેને અઠવાડિયામાં માત્ર ૧ થી ૨ વખત જ લગાવવું પૂરતું છે.
નાકના બ્લેકહેડ્સ દૂર કરવામાં આટલું ધ્યાનમાં રાખો
તમે ઉપર જણાવેલ સ્ટેપ્સથી જયારે નાક પરના બ્લેક હેડસ દૂર કરો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ. ક્યારેય પણ તમારા નખ અથવા અણીદાર પિનથી બ્લેકહેડ્સને દબાવીને કાઢવાનો પ્રયાસ ન કરો. બજારમાં મળતી બ્લેકહેડ સ્ટ્રીપ્સનો વારંવાર ઉપયોગ કરવાનું ટાળો. ચહેરો સાફ રાખવાના ચક્કરમાં દિવસમાં ઘણી બધી વખત મોઢું ધોવાનું બંધ કરો. ત્વચા પર ખૂબ જ સખત કે જોરથી સ્ક્રબ (Scrub) ન ઘસો. એકસાથે ઘણા બધા કેમિકલયુક્ત કે એક્ટિવ સ્કિનકેર પ્રોડક્ટ્સ ચહેરા પર ન લગાવો.
આ પણ વાંચો : પાસ્તા સાથે બ્રેડ કેમ પીરસાય છે? જાણો ઇટાલીની રસપ્રદ પરંપરા!
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )