લોકોની સુરક્ષા માટે સરકાર ટુ-વ્હીલર માટે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. હેલ્મેટ વગર વાહન ચલાવવાથી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન થાય છે. પરંતુ યુવતીઓ હેલ્મેટને લઈને સમસ્યાનો સામનો કરતી દેખાઈ. યુવતીઓમાં ફરિયાદ છે કે હેલ્મેટ પહેરવાથી તેમના વાળ ખરવા લાગે છે. શું ખરેખર હેલ્મેટ વાળની સમસ્યા વધારે છે. હેર એક્સપર્ટે આ સમસ્યાને લઈને હકીકત જણાવતા વાળની કાળજી રાખવાની ટિપ્સ આપી છે.
વાળની સમસ્યાનું કારણ બની શકે છે હેલ્મેટ
હેર એક્સપર્ટના જણાવ્યા અનુસાર એ સંભાવના છે કે કેટલીક પરિસ્થિતિઓમાં હેલ્મેટ વાળની સમસ્યાનું કારણ બને છે. કારણ કે હેલ્મેટ પહેરવાથી માથા પર પરસેવો થાય છે, જયારે વાહન ચાલક લાંબા સમય સુધી હેલ્મેટ પહેરે છે ત્યારે આ પરસેવો માથાના સ્કાલ્પ સાથે ચોંટે છે, જે વાળના મૂળને નબળા બનાવે છે. એટલે જયારે ચાલક હેલ્મેટ ઉતારે છે ત્યારે વાળ ખેંચાય છે. જેમના વાળ લાંબા હોય તેમના વાળ તૂટે છે. આ પ્રક્રિયા દૈનિક બનતી હોવાથી થોડા જ સમયમાં વાળ ખરવા લાગે છે. ખાસ કરીને જયારે હેલ્મેટ યોગ્ય કદનું ન હોય અથવા ખૂબ કડક હોય, તો તે વાળને ખેંચે છે. જેના કારણે વાળ તૂટવા અને ખરવાની સમસ્યા થાય છે.
હેલ્મેટ પહેરવું જરૂરી, આ રીતે વાળની રાખો સંભાળ
વાળ સુરક્ષિત રાખવા આ ટિપ્સ જરૂર અપનાવો. હેલ્મેટ પહેરવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમે વાળની આ રીતે કાળજી રાખશો તો વાળ ખરવા અને તૂટવાની સમસ્યા ઓછી થશે. સૌ પહેલા તો હંમેશા તમારા કદને અનુરૂપ આરામદાયક હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. હેલ્મેટ પહેરો ત્યારે પરસેવો જમા થતો અટકાવવા વાળને દરરોજ ધોઈને સાફ રાખો. વાળ ધોતા પહેલા વાળમાં તેલ લગાવો. હંમેશા ભીના વાળમાં હેલ્મેટ પહેરવાનું ટાળો. જો તમે હેલ્મેટની અંદર પાતળા સુતરાઉ કાપડ અથવા ટોપી પહેરી શકો છો તો વધારે સારું રહેશે. આ ઉપરાંત નિયમિતપણે હેલ્મેટની પણ સફાઈ કરો અને કયારે પણ બીજા કોઈના હેલ્મેટનો ઉપયોગ ન કરો.
આ પણ વાંચો : Lifestyle: સારી ઊંઘ છતાં સવારે માથું કેમ દુખે છે? જાણો 6 ચોંકાવનારા કારણો અને તેના સરળ ઉપાય
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )