શિયાળામાં ઠંડી વધતા ત્વચા પર અસર દેખાય છે. ચહેરાથી લઈને પગ સુધી ઠંડીના કારણે ત્વચા ફાટવાની સમસ્યા સૌથી વધુ લોકોમાં દેખાય છે. ઠંડીના દિવસોમાં ચહેરામાં નિસ્તેજપણું અને પગની એડી ફાટવાની સમસ્યાનો લોકો સૌથી વધુ શિકાર થાય છે. પગની એડીમાં તિરાડ પડવી એક સામાન્ય સમસ્યા હોવા છતાં ચાલવામાં મુશ્કેલી પડે છે. પગની એડીમાં તિરાડના કારણે કયારેક લોહી પણ નીકળે છે. આ સમસ્યા દૂર કરવા બજારના મોંઘા ક્રીમ અને લોશન લગાવે છે જે કામચલા ધોરણે રાહત આપે છે. પગની એડીમાં તિરાડની સમસ્યા દૂર કરવા તમને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીશું.
રાત્રિના સમયે કરો પગમાં આ ઉપચાર
ઠંડીમાં પગની સુંદરતા જાળવવા નાળિયેર તેલની માલિશ બેસ્ટ ઘરેલુ ઉપચાર છે. રાત્રે સૂતા પહેલા પગને હૂંફાળા પાણીથી ધોઈ પગની એડી પર નાળિયેર તેલની માલિશ કરો. આ તેલ ત્વચામાં શોષાઈ જશે, અને સવાર સુધીમાં તમારી એડીઓ નરમ રહેશે. આ તેલ ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે અને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ચેપ સામે રક્ષણ આપે છે. લીંબુના રસના થોડા ટીપાં એક ચમચી વેસેલિનમાં ભેળવીને ફાટેલી એડી પર લગાવો, હળવા હાથે માલિશ કરો. પછી, મોજાં પહેરો અને આખી રાત રહેવા દો. સવારે તમારા પગ ધોઈ લો અને ફાટેલી એડીમાંથી રાહત મેળવો.













